Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ભારતે બનાવેલા સલામ ડેમ પર તાલિબાનનો હુમલો : અફઘાન સેનાના પ્રહાર બાદ ભાગી ગયા હુમલાખોરો

અફઘાન સૈન્ય દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો : હુમલામાં તાલિબાનના ઘણા આતંકવાદીઓ ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાન સરકારે જણાવ્યું કે, ભારત દ્વારા હેરાતમાં બનાવવામાં આવેલા સલમા ડેમ પર તાલિબાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, જોકે અફઘાન સૈન્ય દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. સરકારે જણાવ્યું કે, આ હુમલામાં તાલિબાનના ઘણા આતંકવાદીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને મોટાપાયે નુકસાન થયું છે, જેના કારણે જ તેઓ અફઘાન સેનાથી જીવ બચાવી ભાગવા મજબૂર થયા હતા. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા ફવાદ અમાને એક ટ્વિટ કરી જણાવ્યું કે,'તાલિબાની આતંકીઓએ 3 ઓગસ્ટની રાતે ભારત-અફઘાન મિત્રતાના પ્રતિક એવા સલમા ડેમ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.

અફઘાન સેનાના જવાબી હુમલા બાદ આતંકીઓ જીવ બચાવી નાસી છૂટ્યા. આ હુમલામાં તાલિબાનને મોટાપાયે નુકસાન થયું છે.' આ પહેલા જુલાઈમાં પણ તાલિબાનીઓએ રોકેટ હુમલા થકી સલમા ડેમ ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રોકેટ ડેમ નજીક પડતા ડેમને નુકસાન થયું નહોતું.

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરલ્લાહ સાલેહે તાલિબાનના વધતા આતંક અને હિંસા વચ્ચે કાબુલમાં તાલિબાન તથા પાકિસ્તાન વિરુદ્ધ લોકો દ્વારા યોજવામા આવેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. હેરાત શહેરમાં ગત 6 દિવસથી અફઘાન સૈન્ય અને તાલિબાનો વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે. તાલિબાની આતંકીઓ શહેરની નજીક આવીને લડાઈ કરી રહ્યાં છે. અફઘાન સૈન્યના સમર્થનમાં લોકો પણ માર્ગો પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

(7:28 pm IST)