Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રેસલર રવિકુમારદહિયા ૫૭ કિલો ફ્રીસ્ટાઈલની ફાઈનલમાં

ઓલિમ્પિકમાં ભારતીય રેસલરની કમાલ : કુમારે કઝાકિસ્તાનના નુરિસ્લામ સાનાયેવ સામે શાનદાર પ્રદર્શન કરતા વિજય નોંધાવ્યો, ભારતનો સિલ્વર નિશ્ચિત

ટોક્યો, તા.૪ : ભારતીય રેસલર રવિ કુમાર દહિયાએ દેશ માટે વધુ એક મેડલ સુનિશ્ચિત કરી દીધો છે. રવિ કુમાર પુરૂષોની ૫૭ કિલો વર્ગની ફ્રીસ્ટાઈલ કેટેગરીની ફાઈનલમાં પહોંચી ગયો છે.

આ સાથે જ તેણે સિલ્વર મેડલ તો સુનિશ્ચિત કરી દીધો છે. ફાઈનલમાં રવિ કુમારનો સામનો રશિયાના ઝાઉર ઉગુએવ સામે થશે. આ મુકાબલો ગુરૂવારે સાંજે ૪.૨૦ કલાકે રમાશે.

કુમારે કઝાકિસ્તાનના નુરિસ્લામ સાનાયેવ સામે શાનદાર પ્રદર્શન કરતા વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ તે રેસલિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારો ભારતનો પાંચમો રેસલર બનશે. અગાઉ કેડી જાધવ, સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત અને સાક્ષી મલિકે કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જેમાંથી સુશીલ એકમાત્ર ભારતીય રેસલર છે જેણે બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે.

જોકે, દીપક પૂનિયા ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. પુરૂષોની ફ્રીસ્ટાઈલ ૮૬ કિલો કેટેગરીમાં દીપકને સેમિફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. સેમિફાઈનલમાં દીપકનો સામનો અમેરિકાના ડેવિડ ટેલર સામે હતો.

૧.૩૦ મિનિટ સુધી દીપક કે ડેવિડમાંથી એક પણ રેસલર પોઈન્ટ મેળવી શક્યો ન હતો. જોકે, બાદમાં ડેવિડે શાનદાર પ્રદર્શન કરતા ૭-૦ની સરસાઈ મેળવી લીધી હતી. ડેવિડે ત્રણ મિનિટની અંદર મુકાબલો ૧૦-૦થી જીતી લેતા દીપકનું ફાઈનલમાં પહોંચવાનું સપનુ રોળાઈ ગયું હતું. જોકે, દીપક હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

(7:28 pm IST)