Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રેલવે મુસાફરોને તેમની સીટ પર જ મળશે ભોજન : ભારતીય રેલ્વે દ્વારા ફરી ઇ-કેટરિંગ સુવિધા શરુ

ઓનલાઈન ફૂડ ઓર્ડરની સેવા 200 થી વધુ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ થશે.

નવી દિલ્હી : કોરોનાકાળમાં અનેક સર્વિસ પર પણ તેની અસર થઈ છે અને તેના કારણે રેગ્યુલર ધોરણે મળી રહેલી સેવાઓ પણ બંધ કરાઈ હતી,ભારતીય રેલ્વેએ ટ્રેન્ડને અનુસરીને એડવાન્સમાં ફૂડ બુક કરીને પેસેન્જરને તેની સીટ પર જ જમવાનું મળે તેવી સુવિધા શરુ કરી હતી. પરંતુ, કોવિડ ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને આ સેવા બંધ કરવાની ફરજ પડી હતી.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઇ-કેટરિંગ સુવિધાને અસ્થાયી રૂપે સ્થગિત કર્યા બાદ, ભારતીય રેલવેએ મુસાફરોને તેમની સીટ પર જ પર ભોજન મેળવી શકે તેવી સુવિધા ફરી એકવાર શરૂ કરી છે. આઈઆરસીટીસી દ્વારા એક ટ્વીટમાં જણાવાયું હતું કે, ઓનલાઈન ફૂડ ઓર્ડરની સેવા 200 થી વધુ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ થશે. મુસાફરો માટે બનાવાયેલ વેબસાઇટ અથવા 'IRCTC eCatering' એપ પર બુકીંગ કરીને, ભોજન મંગાવી શકશે.

ભારતીય રેલ્વેનું સ્તર દિવસે અને દિવસે ઉપર જઈ રહ્યું છે. દુનિયાનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવતા દેશના લિસ્ટમાં ભારત ચોથા સ્થાને છે. એક તરફ અનેક જગ્યાએ વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન બની રહ્યા છે તો બીજી તરફ, વધુને વધુ ઝડપ ધરાવતા એન્જીન જોડવામાં આવી રહ્યા છે. આ સાથે જ, દરેક કેટેગરીના કોચમાં પણ વિવિધ સુવિધા ઉમેરવામાં આવી છે અને સાફ- સફાઈ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

(8:11 pm IST)