Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જો કોઈ મારી વિરૂદ્ધ કોર્ટમાં ગયું તો હું સુપ્રીમ કોર્ટમાં જઈશ,ત્યાં મારા સાથીઓ સાથે હાહાકાર મચાવીશ: અર્નબઃ ગોસ્વામી

સુશાંતસિંહ કેસમાં રિપબ્લિક ચેનલના પ્રમોટર અને એડિટર આક્રમક મૂડમાં

નવી દિલ્હી : સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સત્ય બહાર લાવવા માટે ઈડી, CBI અને મુંબઈ પોલીસ જોર લગાવી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. કેટલીક ન્યૂઝ ચેનલ્સ પર સુશાંત કેસ પર આધારિત શૉ પ્રસારિત થઈ રહ્યા છે.ત્યારે જાણીતી ચેનલ રીપબ્લિકમાં ચર્ચાઓનું સ્ફોટક રૂપ જોવા મળે છે. ચેનલના પ્રમોટર અને એડિટર અર્નબ ગોસ્વામી દરરોજ કલાકો સુધી ટીવી સ્ક્રિન પર સુશાંત કેસ પર વાત કરી રહ્યા છે.

પણ છેલ્લા કેટલાક દિવસથી અર્નબ ગોસ્વામી પોતાની પ્રાઈમ ટાઈમ ડિબેટમાં પણ આ મામલે આક્રમક ચર્ચા કરી રહ્યા છે.

તાજેતરમાં તેમણે પોતાના શૉમાં અભિનેતા શેખર સુમનને કહ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા કેટલાક લોકો એવું ઈચ્છે છે કે, હું સુશાંત કેસનું રીપોર્ટિંગ ન કરૂ. કારણ કે, જ્યારથી આ કેસમાં ડ્રગ્સનો દ્રષ્ટિકોણ સામે આવ્યો છે ત્યારથી આ લોકો પાગલ થઈ ગયા છે. જે રીતે દીવો ઓલવાતા પહેલા ફફડે છે એ જ રીતે આ લોકો મારા વિરૂદ્ધમાં કાવતરૂ ઘડી રહ્યા છે. મારા વિરોધી તો એવું ઈચ્છે છે કે, આવા લોકો દિવસભર મારી ચેનલની બહાર ઊભા રહે અને સાચું બોલવાથી રોકે. તેમણે એવું પણ ઉમેર્યું કે, સુશાંત કેસમાં સત્ય દેખાડવા માટે મારી સામે કેટલાક લોકો કોર્ટમાં જવા માગે છે.

એવા લોકોને હું આજે સ્પષ્ટ કરી દઉં કે, જો કોઈ મારી વિરૂદ્ધ કોર્ટમાં ગયું તો હું સુપ્રીમ કોર્ટમાં જઈશ. ત્યાં મારા સાથીઓ સાથે હાહાકાર મચાવી દઈશ અને કહીશ કે અમારી સ્વતંત્રતાને રોકવામાં ન આવે. અર્નબ ગોસ્વામીએ શેખર સુમનને કહ્યું હતું કે, આવા લોકોની સામે લડવા તમે મારો સાથ આપશો? ત્યારે શેખર સુમને જવાબ આપ્યો કે, તમે જે દિવસે આવા લોકોની સામે સુપ્રીમ કોર્ટેમાં જશો તો ત્યારે તમારી સાથે સૌથી પહેલો વ્યક્તિ હશે તે હું હોઈશ. સુશાંત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે. રિયાએ આ કેસમાં મીડિયા ટ્રાયલ સામે વાંધો ઊઠાવી કોર્ટેમાં એક એફિડેવિટ દાખલ કરી છે. તેમણે કહ્યું કે, જે રીતે સુશાંત કેસને મીડિયામાં સનસની ફેલાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. શેખર સુમને એવું પણ કહ્યું હતું કે, જો આ કેસમાં રિયા નિર્દોષ હોય તો CBIએ તે સાબિત કરવા દેવું જોઈએ.

(12:00 am IST)