Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રેલ્વેનું નવું ટાઇમટેબલ આવી રહ્યું છે

૫૦૦ રેગ્યુલર ટ્રેનો બંધ થશેઃ ૧૦,૦૦૦ જેટલા સ્ટેશનોની થશે બાદબાકી

નવી દિલ્હી, તા.૪: દેશભરમાં કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉને રેલવે સેવાઓ લગભગ ઠપ્પ કરી દીધી છે, જેમાં ખાસ કરીને યાત્રી ટ્રેનો બંધ છે. અનલોકના અલગ-અલગ તબક્કામાં ટ્રેનોની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. આ દરમિયાન રિપોર્ટ આવ્યાછે કે રેલવે મહામારી બાદના સમય માટે તૈયાર કરાઈ રહેલા નવા ઓપરેશનલ ટાઈમટેબલમાંથી ૫૦૦ રેગ્યુલર ટ્રેનો હટાવી શકે છે. એટલું જ નહીં લગભગ ૧૦ હજાર સ્ટોપ અર્થાત સ્ટેશનોને પણ રેલવે નેટવર્કમાંથી હટાવી શકે છે.

હકીકતમાં, રેલવે આ ઝીરો-બેઝડ ટાઈમટેબલ થકી આગળ પોતાની વાર્ષિક કમાણી ૧૫૦૦ કરોડ રુપિયા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. રેલવે આ વધારાની ૧૫૦૦ કરોડની કમાણી કોઈ ભાડા વધારા કે અન્ય ચાર્જ વધાર્યા સિવાય કરવા ઈચ્છે છે.

રેલવેના અનુમાન અનુસાર, વધારાની કમાણી ટાઈટેબલમાં આધારભૂત ફેરફાર થકી હાંસલ કરવા ઈચ્છે છે. નવા ટાઈમટેબલ થકી ૧૫ ટકા માલવાહક ટ્રેનો માટે ફાળવાશે, જે સ્પેશ્યલ કોરિડોર પર ફાસ્ટ સ્પીડથી ચલાવશે. આ સિવાય આખા રેલ નેટવર્કમાં ટ્રેનો ઓછી થવાથી પેસેન્જર ટ્રેનોની ગતિ પણ ૧૦ ટકા સુધી વધવાની આશા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે એ કોરોના મહામારી બાદ પોતાના નવા  ટાઈમટેબલને ઝીરો-બેઝડ ટાઈમટેબલ કહ્યુ છે. કારણ કે આ ટાઈમટેબલ રેલવેએ આઈઆઈટી બોમ્બેના નિષ્ણાતોની સાથે બિલકુલ નવેસરથી તૈયાર કયું છે. આ ટાઈમટેબલ પરે લોકડાઉન બાદ જ કામ શરુ થઈ ગયું હતું, જયારે દેશભરમાં ટ્રેનો બંધ હતી.

ખાનગીકરણ કે કોર્પોરેટાઇઝેશન

જાણકાર વર્તુળો કહે છે કે આ કોર્પોરેટાઇઝેશનની તૈયારી છે. હવે રેલવેમાં રાજકીય કારણોસર ટ્રેન કે સ્ટોપેજ નક્કી કરવાને બદલે આર્થિક વાણિજયિક કારણોને પ્રાધાન્ય અપાશે. જોકે, અન્ય સૂત્રો કહે છે કે રેલવેએ ૧૫૦ રૂટ પર ખાનગી ટ્રેનો દોડાવવા મંજૂરી આપી દીધી છે.

આ બધી તેની તૈયારી છે. પહેલાં રેલવે બજેટ બંધ કરી દેવાયું હવે વાણિજિયક કારણો અનુસાર ટ્રેનો નક્કી થશે. રેલવે હવે લોક કલ્યાણ કે જાહેર સુવિધાને બદલે માત્ર વાણિજયિક હેતુઓ પર ફોકસ કરતી સંસ્થા બની જશે.

કઇ ટ્રેનો ગાયબ થઇ શકે

. જે ટ્રેનોમાં વર્ષે સરેરાશ ૫૦ ટકા બેઠકો જ ભરાય છે તેવી ટ્રેનોને નવાં નેટવર્કમાં જગ્યા નહીં મળે. તેને બદલે તેમને અન્ય મોટી ટ્રેનો સાથે ભેળવી દેવાશે.

. કોઇ મોટું શહેર ના હોય તો લાંબા અંતરની ટ્રેનોમાં ૨૦૦  કિમી સુધી કોઇ સ્ટોપ નહીં અપાય. આવા દસ હજાર સ્ટેશન પર અનેક ટ્રેનનાં સ્ટોપેજ ઝૂંટવાઇ શકે.

. નાના શહેરોને મોટાં શહેરો સાથે જોડતી કનેકિટંગ ટ્રેનો અપાશે. પરંતુ નાના શહેરથી કોઇ મોટાં અંતરની ટ્રેન નહીં ચાલુ થાય.

(10:07 am IST)