Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૨૦ દેશોમાં એકમાત્ર ભારતમાં નવા કેસો વધી રહ્યા છે

સપ્ટેમ્બર મહિનાની જ વાત કરીએ તો છેલ્લા દિવસમાં એવરેજ ૭૭,૩૮૭ નવા કેસો સામે આવ્યા છેઃ જે રેકેર્ડબ્રેક નોંધાયેલા ૮૩,૮૮૩ કેસના ૯૨.૩ ટકા છે

નવી દિલ્હી, તા.૪: ભારતમાં રોજે રોજ કોરોનાના રેકોર્ડબ્રેક નવા કેસો નોંધાઈ રહ્યા છે. નવા કેસ મામલે દુનિયાભરમાં સૌથી વધુ પ્રભાવિત ૨૦ દેશોમાં ભારત ટોચના ક્રમે છે. સપ્ટેમ્બર મહિનાની જ વાત કરીએ તો છેલ્લા દિવસમાં એવરેજ ૭૭,૩૮૭ નવા કેસો સામે આવ્યા છે. જે રેકેર્ડબ્રેક નોંધાયેલા ૮૩,૮૮૩ કેસના ૯૨.૩ ટકા છે. આ રેકોર્ડબ્રેક કેસ પણ ૩જી સપ્ટેમ્બરે જ નોંધાયા છે. જયારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ટોચના ૨૦ દેશોમાં આ આંકડો ૮૦ ટકાથી પણ નીચે છે.

યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ રોજના કોરોનાના ડેટા એકઠા કરે છે. તેમણે જે ૨૧૦ દેશો અને તેમના શહેરોના કોવિડ ડેટા એકઠા કર્યા તેમાં ભારતમાં આ રેશિયો સૌથી વધારે મળી આવ્યો છે.

જયારે પેલેસ્ટીન, ઈઝરાયલ, ઈન્ડોનેશિયા, જોર્ડન, પેરાગ્વે અને ઈરાક જેવા દેશોને સહિત અન્ય કોઈ દેશમાં કોરોનાના કેસોની છેલ્લા ત્રણ દિવસની એવરેજ તેમના હાઈએસ્ટ કેસથી ૮૦ ટકાથી ઓછી રહી છે. આ ૬ દેશમાંથી એકપણ કોરોનાથી સૌથી વધુ પીડિત ૨૦ ટોચના દેશોમાં પણ નથી.

દુનિયાભરમાં ૫ લાખથી વધારે કોરોનાના કેસો સામે આવી ગયા હોય તેવા દેશોમાં હાલના સમયમાં કોરોનાના કેસમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે. જેમ કે અમેરિકામાં નોંધાયેલા હાઈએસ્ટ કેસના આંકડાથી એવરેજ અડધા કેસ છેલ્લા ત્રણ દિવસમાં સામે આવ્યા છે. જયારે બ્રાઝિલમાં પણ કેસોની સંખ્યા ઘટી રહી છે.

આ ડેટાને અન્ય રીતે જોઈએ તો કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેના કેટલા દિવસ થયા. જેમાં અમેરિકામાં ૪૦ દિવસ, બ્રાઝિલમાં ૩૫ દિવસ અને રશિયામાં ૪૭ દિવસ પહેલા સૌથી વધુ કેસો નોંધાયા હતા. જયારે પેરૂ અને કમ્બોડિયાના કેસમાં ૧૫ દિવસ પહેલા રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા.

જોકે આ વાતથી તે પણ સ્પષ્ટ નથી થતું કે આ દેશોમાં ફરીથી કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નહીં જોવા મળે. અહીં પણ રોજના નવા કેસો વધી શકે છે. જેમ કે સ્પેનમાં મહિનાઓ બાદ હાલમાં કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે.

(10:08 am IST)