Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભારતના એકશનથી ડ્રેગન હરકતમાં ?

ચીનના રક્ષા મંત્રીએ રાજનાથ સિંહને મળવાની વ્યકત કરી ઇચ્છા

મોસ્કો તા. ૪ : જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પેંગોંગ ત્સો લેકની પાસે થયેલી ભારત અને ચીનની સેનાની અથડામણથી બન્ને દેશોની વચ્ચે તણાવ ફરી ચરમ સીમાએ પહોંચી ગયો છે. બન્ને દેશોની વચ્ચે એક વાર ફરી તણાવને કારણે બગડતા સંબંધોને કારણે ચીનના રક્ષા મંત્રી તથા ફેંગે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળવાની ઈચ્છા વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં ચાલી રહેલા શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે અને ફેંગ પણ અહીં હાજર છે. આ પહેલા રાજનાથ સિંહે રૂસના રક્ષા મંત્રી જનરલ સર્ગેઈ શોઈગુની સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખમાં એકચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર કેટલાય મહિનાઓથી તણાવની સ્થિતિ છે. બન્ને દેશની સેનાઓ આમને સામને આવી ગઈ છે. બન્ને દેશ સીમા વિવાદમાં પીછે હઠ કરવા તૈયાર નથી. બન્ને દેશ વાતચીતના માધ્યમથી આ વિવાદનો હલ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સીમા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અનેક વાર સેન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઈ ચૂકી છે.

મોસ્કોમાં ચાલી રહેલા એસસીઓની બેઠકમાં રાજનાથ સિંહ પહેલા જ પહોંચી ચૂકયા છે. જયારે ૧૦ સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકર પણ મોસ્કો પહોંચશે. ઉલ્લેખનીય છે કે ચીનના રક્ષા મંત્રી ફેંગ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમીશનના એ ચાર સભ્યોમાં સમાવિષ્ટ છે જેમની સરકારમાં મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ શી જિંનપિંગ કરે છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે ૨૯-૩૦ ઓગસ્ટની રાતે ચીની સૈનિકોએ પેંગોગ લેક વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતના જવાનોએ તેમને ખદેડી દીધા હતા. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાનુંસાર કાલી હિલ પર ભારતીય સૈન્યએ કબ્જો કરી લીધો હતો. હવે અહીં બન્ને સેના ફાયરિંગ રેન્જમાં સામ સામે છે.

(10:10 am IST)