Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કર્મચારીઓને વહેલા નિવૃત કરવાના કેન્દ્ર સરકારના પગલાંને મજૂરસંઘોએ અતાર્કિક ગણાવ્યો : કોર્ટના દ્વાર ખખડાવવા ચીમકી

સેન્ટ્રલ સિવિલ સર્વિસ રુલ્સ, 1972ની કલમ એફઆર 56 (જે), 56 (આઇ) અને રુલ્સ 48 (1) બી હેઠળ કેન્દ્ર સરકારને આવી કોઈ સતા નથી

નવી દિલ્હી: અસક્ષમ અને 30 વર્ષથી વધુ નોકરી કરી ચૂક્યા હોય એવા સરકારી કર્મચારીઓને વહેલા નિવૃત કરવાની સરકારની હિલચાલનો વિવિધ મજૂર સંઘોએ વિરોધ કર્યો હતો. 28 મી ઑગષ્ટે કેન્દ્રના મજૂર ખાતાએ એવો નિર્દેશ કર્યો હતો કે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય, કામચોર હોય અને સરકારી નોકરીમાં 30 વર્ષ પૂરાં કર્યાં હોય એવા સરકારી કર્મચારીને મુદત પહેલાં નિવૃત્ત કરીને યુવાન પેઢીને તક આપવાની વિચારણા થઇ હતી

 . સરકારના આ નિર્ણયની વિરુ્દ્ધ 31મી ઑગષ્ટે વિવિધ ટ્રેડ યુનિયનોએ એક બેઠક યોજી હતી અને આ નિર્ણયને અતાર્કિક (ઇલ્લોજિકલ ) અને એકપક્ષી ગણાવ્યો હતો. આ બેઠકમાં ઇન્ટુક, આઇટુક, હિન્દ મઝદૂર સભા, એઆઇયુટીયુસી, એઆઇસીસીટીયુ, એલપીએ અને યુટીયુસી જેવી વિવિધ મજૂર સંસ્થાઓ જોડાઇ હતી. આ બેઠકમાં એવો આક્ષેપ કરાયો હતો કે જે તે ખાતાના વરિષ્ઠ અધિકારીઓને બેમર્યાદ સત્તા આપી દેવામાં આવી હતી. એટલે કોઇ પણ કર્મચારીને પોતાની રજૂઆત કરવાની તક મળવાની નથી. રિટાયર થવાની ઉંમર પહેલાં ઘણા લોકોએ નોકરીથી હાથ ધોવા પડશે. આ નિર્ણય કરવા પહેલાં સરકારે પોતાના કર્મચારીઓને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. આ નિર્ણયને કારણે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો સરિયામ ભંગ થઇ રહ્યો હતો. ત્રીસ વર્ષ નોકરી કરી હોય એવા કર્મચારીને શા માટે વહેલા રિટાયર કરવા પડે એ સમજાતું નથી.

સામાન્ય સંજોગોમાં કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો એ એડવાઇઝરી કમિટિ સમક્ષ રજૂઆત કરી શકતો હોય છે.પરંતુ આવી સમિતિની રચના પણ સરકાર પોતે કરે છે એટલે સંબંધિત કર્મચારીને ન્યાય મળવાની શક્યતા આપોઆપ ઘટી જતી હતી.

કેટલાક યુનિયનોએ જરૂર પડ્યે આ નિયમ સામે કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી પણ વ્યક્ત કરી હતી. જો કે સરકારી દલીલ એવી હતી કે સેન્ટ્રલ સિવિલ સર્વિસ રુલ્સ, 1972ની કલમ એફઆર 56 (જે), 56 (આઇ) અને રુલ્સ 48 (1) બી હેઠળ કેન્દ્ર સરકારને કોઇ પણ કર્મચારીને એના કામની સમીક્ષા થયા પછી લોકહિતમાં વહેલા નિવૃત્ત કરવાની સત્તા સરકારને આપતી હતી

(11:19 am IST)