Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નોટબંધીના પરિણામ શું આવ્યા ? કાળા ધનનો પ્રશ્ન તો ન ઉકેલાયો, નાના માણસો તુટી ગયા : રાહુલ ગાંધી

બજારમાંથી રોકડ ગાયબ અને બેંકોની તીજોરી ભરાતા ઉદ્યોગપતિઓના કર્જા માફ કરાયા : ગરીબોની હાલત તો ઉલ્ટાની વધુ ગરીબ બની : વીડીયો સીરીઝના માધ્યમથી વડાપ્રધાન પર તીર તાકતા રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૪ : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત અર્થવ્યવસ્થાના મામલે મોદી સરકાર ઉપર તડાપીટ બોલાવી રહ્યા છે. ગુરૂવારે તેમણે અર્થ વ્યવસ્થાને લઇને શેર કરેલ બીજા વીડિયોમાં એવુ જણાવ્યુ છે કે મોદીજીનું કેશ મુકત ભારત ખરેખર મજદુર, ખેડુત અને નાના વેપારી મુકત ભારત  કહેવાવા લાગ્યુ છે. જે પાસુ ૮ નવેમ્બર ૨૦૧૬ ના ફેંકવામાં આવ્યુ હતુ તેનું ભયંકર પરિણામ ૩૧ ઓગષ્ટ સુધીમાં આવ્યુ છે. જીડીપીમાં પછડાટ ઉપરાંત નોટબંધીથી દેશની અસંગઠીત અર્થ વ્યવસ્થાને કઇ રીતે તોડવામાં આવી તે અંગે રાહુલજીએ આ વીડિયોમાં છણાવટ કરી છે.

તેઓએ નોટબંધીને લઇને તીર છોડતા જણાવ્યુ છે કે શું કાળા ધનનો મામલો ઉકેલાય ગયો? લોકોને બસ એમને એમ જ પરેશાન કરાયા. નોટબંધી લાદીને લાઇનમાં ઉભા રખાયા. લોકોએ પોતાની કમાણી બેંકમાં જમા કરાવવા જવુ પડયુ. પણ આ બધાનું પરિણામ શું આવ્યુ? ગરીબ, ખેડુત, મજદુર, નાના વ્યાપારી વધુ પરેશાન થયા. તો પછી ફાયદો કોને થયો? દીવા જેવી વાત છે ઉદ્યોગપતિ લાભ લઇ ગયા. સરકારે બેંકના માધ્યમથી લોકોના ખીસ્સામાંથી પૈસા કાઢી ઉદ્યોગપતિઓના મોટા કર્જા માફ કરી દીધા.

રાહુલ ગાંધીએ જણાવ્યુ કે નોટબંધીનો બીજો ઉદેશ્ય અસંગઠીત અર્થ વ્યવસ્થામાંથી રોકડ કાઢી લેવાનો હતો. પ્રધાનમંત્રી કેસલેસ  ઇન્ડીયા બનાવવા ઇચ્છતા હતા. જો ભારત કેસલેશ થશે તો અસંગઠીત અર્થવ્યવસ્થા પણ ખતમ થઇ જશે તે હકીકત છે. કેમ કે નાના દુકાનદાર, ખેડુત, મજદુરો રોકડ લેણ દેણ ઉપર જ નભતા હોય છે. આ બાબતે પુરા દેશએ સાથે મળીને અવાજ ઉઠાવવો પડશે. તેમ શ્રી ગાંધીએ અંતમાં જણાવ્યુ છે.

(12:51 pm IST)