Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રિયા ચક્રવર્તીના ઘરે NCBના દરોડા

સુશાંતસિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીઃ રિયા ચક્રવર્તીના ઘરે NCBની તપાસ : અહીં ટીમ શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ કનેકશન અંગે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

નવી દિલ્હી તા. ૪ : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોની ટીમ આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે સમાચાર આવ્યા છે કે NCBની ટીમે સવારે રિયા ચક્રવર્તીના સાંતાક્રૂઝ સ્થિત ફલેટ પર પહોંચી છે. અહીં ટીમ શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ કનેકશન અંગે સર્ચ ઓપરેશ ચલાવી રહી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ફકત એક પ્રક્રિયા હોય છે તેને પૂરી કરી રહ્યા છીએ. આ માટે રિયા અને સૈમ્યુઅલના ઘરે તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂત કેસમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી રહી છે. રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ સપ્લાયર સાથેના સંબંધનો ખુલાસો થયા બાદ એનસીબીની ટીમ સવારે રિયા ચક્રવર્તીના અને સૈમ્યુઅલ મિરાન્ડાના ઘરે એક સાથે તપાસ માટે પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે NCBની ટીમે સુશાંતસિંહ રાજપૂતના હાઉસ મેનેજર રહેલા સૈમ્યુઅલ મિરાન્ડાને ડ્રગ્સ પૂરું પાડવાના આરોપમાં મુંબઈમાંથી બે લોકોની ધરપકડ કરી છે. મિરાન્ડા આ ડ્રગ્સને રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકને મોકલતો હતો. બ્રાન્દ્રાના અબ્દુલ બાસિત પરિહારી અને અંધેરીના જૈદ વિલાત્રાને શૌવિક અને મિરાન્ડા સાથેની અમુક ચેટના આધારા પર પકડી લેવામાં આવ્યા છે.

સુશાંતસિંહ રાજપૂત મોત મામલામાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ એનસીબીની ટીમે પહેલા અનેક લોકોની ધરપકડ કરી છે. ડ્રગ્સ સપ્લાયરે જણાવ્યું કે તે બોલિવૂડ પાર્ટીઝ માટે કેનબિસ (ભાંગ) પૂરી પાડતો હતો. રિયા પાસે કોઈ ડ્રગ્સ ન મળ્યા બાદ NCB લોકલ સંપર્કોના માધ્યમથી એવું શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું અભિંનત્રી સુધી તેમની કોઈ પહોંચ છે કે નહીં. આ પહેલા NCBએ અમુક લીક થયેલી ચેટ્સના આધારે રિયા વિરુદ્ઘ એફઆઈઆર દાખલ કરી હતી.

(12:53 pm IST)