Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બે સદી જુની વારાણસીની ઐતિહાસીક રામનગરની રામલીલાનું મંચન નહીં થાય

૧૭૮૩માં કાશી નરેશ મહારાજ ઉદીત નારાયણસિંહે શરૂ કરેલ : કોરોનાના કારણે રાજવી પરિવારે આયોજન સ્થગિત રાખ્યુ :આજે પણ લાઇટ-માઇક વિના પરંપરાગત રામલીલા યોજાય છે : દેશ -વિદેશથી ભાવીકો આવે છે

વાસાણસી,તા. ૪: કોરોના વાયરસ મહામારીની અસર સામાન્ય જનજીવન, વેપાર ઉપરાંત તહેવાર ઉપર પણ પડી છે. કોરોનાના કારણે આ વખતે વારાસણીમાં વિશ્વ પ્રસિધ્ધ રામનગરની ઐતિહાસીક રામલીલાનું મંચન નહીં થાય.

૨૩૭ વર્ષના ઇતિહાસમાં એવું પહેલી વાર બનશે કે જ્યારે રામનગરની રામલીલા નહીં યોજાય. રામનગરની ઐતિહાસિક રામલીલાનું આયોજન બનારસના રાજઘરના દ્વારા કરાય છે. કાશીરાજ પરિવાર તરફથી કોરોના સંક્રમણના ફેલાવને જોતા આ નિર્ણય લેવાયો છે.

આમ તો દેશભરમાં રામલીલાઓનું મંચન કરાય છે. પણ વારાસણીની રાજ પરિવાર દ્વારા આયોજીત રામનગરમાં ૧૭૮૩ની સાલથી શરૂ થયેલ ઐતિહાસીક રામલીલાનું મંચન પોતાનામાં એક અલગ મુકામ છે. તે અનોખી છે. જે વિજળી લાઉડ સ્પીકર વિના ખુલ્લા આકાશ નિચે યોજાય છે. મોટા-મોટા સંકટ બે સદીઓમાં આવ્યા પણ રામલીલા અવિરત દર વર્ષ યોજાતી રહી છે.

બે સદીથી વધુ સમયથી ચાલી રહેલ રામલીલાને જોવા દેશ-વિદેશથી લોકો આવે છે. આ વખતે કોરોનાના કારણે આખા વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ભીડભાડથી સંક્રમણ ફેલાવાનો ખતરો હોવાથી સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી કોઇ પણ પ્રકારના ધાર્મિક આયોજન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. સ્થાનીક પોલીસ તંત્રએ પણ રામલીલાનું આ વર્ષ મંચન ન કરવા અપીલ કરેલ.

કાશી રાજવી પરિવાર તરફથી માહિતી આપવામાં આવેલ કે આ વર્ષે રામનગરની રામલીલાનું આયોજન હાલ પુરતુ સ્થગીત કરાયું છે. એસપી શહેરી વિકાસચન્દ્ર ત્રિપાઠીએ જણાવેલ કે કોરોના સંક્રમણને જોતા રામનગરની રામલીલાના આયોજકોને અપીલ કરાયેલ કે તેઓ સરકારી ગાઇડ લાઇનનું પાલન કરે. ઉપરાંત આયોજકોએ પણ પોલીસની મદદ કરવા જણાવાયેલ.

પ્રાચીન શહેર વારાસણીમાં ડ્રેનેજ સીસ્ટમની કલ્પના કરી અને તેન બનાવનાર અંગ્રેજોના સમયના વારાણસીના જીલ્લાધિકારી જેમ્સ પ્રિંસેપે પોતાની બુક 'ન્યુઝ ઓફ બનારસ'માં રામનગરની રામલીલાનું સજીવ ચિત્રણ કર્યું છે. આ રામનગરની રામલીલાની પ્રાચીનતમતાનું પ્રમાણ છે. જેમ્સની બુકમં તે સમયના રામલીલાના પ્રસંગોના ચિત્રો પણ છે. તેમણે તે સમયમાં બનારસને પોતાની બુકમાં ચિત્રિત કર્યું છે.

રામનગરની ઐતિહાસીક રામલીલાને પરપરાઓને તેના મુળ રૂપમાં નિરંતરતા સાથે જીવંત રાખવાનું ઉદાહરણ માનવામાં આવે છે. આ રામલીલા પોતાની પરંપરાગત નિયમો ઉપર આજે પણ અડગ છે. તેનો બનારસી અંદાજ તેને અલગ આર્કષણનું કેન્દ્ર બનાવે છે. આ સીવાય રામલીલા મેળામાં રામભજોની પુડીની દુકાન પણ આર્કષણનું કેન્દ્ર છે. આ દુકાન પણ રામલીલા જેટલી જ જુની હોવાનું કહેવાય છે.

. કાશી નરેશે રામલીલાની શરૂઆત કરાવેલ

કહેવામાં આવે છે કે કાશીની રામલીલા કાશી નરેશ મહારાજ ઉદીત નારાયણસિંહે શરૂ કરેલ. એવું તેમણે તેમની રાણીના કહેવાથી કરેલ. પહેલા કાશી નરેશ મિરઝાપુરના બરઇપુર ગામમાં વિઠ્ઠલ સાવ અને તેના ભાઇઓની રામલીલામાં હાજર રહેતા.એક વખત તેમને થોડુ મોડુ થતા રામલીલા યોજાઇ ગઇ. ત્યારબાદ રાજા-રાણી બંને નારાજ થયેલ અને પછી રામનગરની રામલીલાનો પાયો નખાયેલ.

(12:53 pm IST)