Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોનાથી કેટલા મોત?...હવે મોતનો આંકડો આપવાનું બંધ

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પોઝિટિવ કેસોના નામો આપવાનું બંધ કર્યુ, સિવિલમાં પહેલા મૃતકોના નામ જાહેર કરવાનું બંધ કરાયું અને હવે આંકડા ઉપર પણ ચોકડી : આંકડાઓ છુપાવવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જતું હોય તો છૂપાવો : આરોગ્ય સચિવ અને કલેકટર આંકડાઓ જાહેર કરવાની જવાબદારી ફિકસ કરે

રાજકોટ તા. ૪: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે રાજકોટની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. સતત વધી રહેલા પોઝિટિવ કેસને કારણે તંત્રો સતત દોડધામ કરતાં રહે છે. તો બીજી તરફ મૃત્યુઆંકનું પ્રમાણ પણ અહિ સતત વધ્યું છે. છેલ્લા પચ્ચીસ દિવસમાં જ સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર અને ખાનગી હોસ્પિટલોમાં મળી સવાચારસોથી વધુના મોત થઇ ચુકયા છે. કોવિડની સારવાર દરમિયાન જ આ મોત થયા છે. દરરોજ ચોવીસ કલાકના મોતનો આંકડો અત્યાર સુધી જાહેર કરવામાં આવતો હતો. પરંતુ હવેથી આ આંકડો જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે જો મોતનો આંકડો છુપાવવાથી કોરોનાનું સંક્રમણ અને મૃત્યુઆંક ખરેખર ઘટી જતાં હોય તો આંકડો ભલે છુપાવવામાં આવે. પણ તંત્રોની આવી નીતિ લોકોમાંથી કોરોનાનો ભય દૂર કરવાને બદલે ભય વધુ પેદા કરનારી સાબિત થશે.

છેલ્લા એક અઠવાડીયામાં તો કોરોનાએ આડો આંક વાળ્યો છે. પાછલા આંકડાઓ પર નજર કરીએ તો ગઇ ૨૪-૮ના રોજથી એ પહેલાના પંદર દિવસનો મૃત્યુઆંક ૨૩૩ હતો. ૨૭-૮ના અઢાર દિવસનો મૃત્યુઆંક ૨૮૬ થઇ ગયો હતો. ૩૧-૮ના રોજ ૨૨ દિવસનો મૃત્યુઆંક ૩૬૧ સુધી પહોંચી ગયો હતો. આ દિવસે એક સાથે ૧૯ના મોત થયા હતાં. એ પછી ૧ તારીખે ૨૧ દર્દીઓની જિંદગી પુરી થઇ ગઇ હતી. ત્યારબાદ બીજી તારીખે બુધવારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને અધધધધ ૩૨ મોત થયા હતાં. તે સાથે ૨૪ દિવસનો મૃત્યુઆંક ૪૧૪ થયો હતો. ગઇકાલે ત્રીજી તારીખે ૨૭ના મોત થયા હતાં અને ૨૫ દિવસનો મૃત્યુઆંક ૪૪૧ થઇ ગયો હતો. સોૈથી વધુ દર્દીઓના મોત સિવિલ હોસ્પિટલમાં થયા છે. જેમાં રાજકોટ શહેર, જીલ્લા ઉપરાંત અન્ય જીલ્લાના શહેર-ગામોના દર્દીઓનો પણ સમાવેશ થાય છે.

અગાઉ કોવિડથી મોતને ભેટતાં દર્દીઓના નામ પણ જાહેર કરવામાં આવતાં હતાં. સિવિલ હોસ્પિટલમાંથી નામ જાહેર કરવાનું બંધ થયા પછી માત્ર આંકડો જાહેર કરવાનું શરૂ થયું હતું. તેમાં પ્રારંભે રાજકોટ શહેર-જીલ્લાના, અન્ય જીલ્લાના મૃત્યુનો આંક અપાતો હતો. એ પછી કયા જીલ્લાના કે શહેરના એ વિગતો બંધ થઇ હતી અને માત્ર ટોટલ કેટલા મોત થયા? સિવિલમાં કેટલા અને ખાનગી હોસ્પિટલમાં કેટલા? તેની માહિતી એટલે કે આંકડો જ અપાતો હતો. હવે આજથી આ આંકડો આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

કોરોનાથી થતાં મોતના આંકડાઓ આજથી આપવાનું બંધ થઇ ગયું છે. કોણે આંકડાઓ જાહેર કરવાની ના પાડી તે અંગે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર થતું નથી. ઉપરથી આદેશ થયો છે એવા ઉડાઉ જવાબો આપવાનું શરૂ થયું છે. આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ પાંચ દિવસથી રાજકોટમાં જ છે તેઓ અને કલેકટરશ્રી રેમ્યા મોહન આ મામલે સત્વરે યોગ્ય કરે અને કોવિડના કે પછી મ્યુ. કોર્પોરેશન આરોગ્ય તંત્રના કોઇ એક અધિકારીને દરરોજ સવારે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં થઇ રહેલા મોતના આંકડા જાહેર કરવાની જવાબદારી સોંપે તે જરૂરી છે. લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે જો આંકડા છુપાવવાથી સંક્રમણ અને મોત ઘટતાં હોય તો આ નીતિરીતિ અપનાવાય તે યોગ્ય ગણાશે. અન્યથા આંકડા જાહેર કરવા જોઇએ.

(2:50 pm IST)