Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સરકારની સ્પષ્ટતા : કાર ચલાવતી વખતે અથવા તો સાઇકલિંગ કરતી વખતે માસ્ક પહેરવું જરૂરી

આવી કોઇ ગાઇડલાઇન નથી !

નવી દિલ્હી તા. ૪ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કાર ચલાવતી વખતે અથવા તો સાઈકલિંગ કરતી વખતે માસ્ક પહેરવાને લઈ કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરી નથી. એક ઉચ્ચ અધિકારીએ ગુરૂવારના રોજ આ વાત કહી છે. જો કે, કોઈ ગ્રુપ સાઈકલિંગ, વ્યાયામ અથવા જોગીંગ કરી રહ્યા છે, તો તેમને માસ્ક પહેરવુ જરૂરી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવુ જરૂરી છે. જેથી એકબીજા સાથે સંક્રમણ ન ફેલાય.

હેલ્થ મિનિસ્ટ્રીમાં સેક્રેટરી રાજેશ ભૂષણે ડ્રાઈવિંગ અથવા સાઈકલિંગના સમયે માસ્ક પહેરવું જરૂરી છે કે, નહીં તેના પર જવાબ આપ્યો હતો. હાલમાં જ લોકો કાર ચલાવતી વખતે માસ્ક ન પહેર્યુ હોવાના કારણે કેટલાય લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના પર ભૂષણે સ્પષ્ટતા કરી છે કે, કાર ડ્રાઈવ કરતી વખતે એકલા હોય ત્યારે અથવા તો સાઈકલ ચલાવતી વખતે માસ્ક પહેરવુ જરૂરી નથી. આ માટે કોઈ ગાઈડલાઈન પણ જાહેર કરી નથી.

તેમણે વધુમાં કહ્યુ હતું કે, શારીરિક ગતિવિધિઓને લઈ લોકોમાં જાગૃતતા આવી રહી છે. આપ લોકો બે અથવા ત્રણ લોકો સાઈકલીંગ અથવા જોગીંગ કરી શકો છો. પણ જો તમે તેનાથી વધુ ગ્રુપમાં જોગીંગ અથવા તો સાઈકલીંગ કરી રહ્યા હોવ ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ જરૂરી છે. જેથી સંક્રમણ ન ફેલાય.

ભારતમાં કોરોનાના ૮૩,૮૮૩ નવા કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં એક જ દિવસમાં આવેલા સૌથી વધુમાં કેસમાં તેનો રેકોર્ડ બન્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૮,૫૩,૪૦૬ લોકોને કોરોના થયો છે. જેમાંથી ૬૭,૩૭૬ લોકોના મોત પણ થયા છે.

(3:54 pm IST)