Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દેશના એક માત્ર વકીલ કોર્ટમાં સંસ્કૃતમાં કરે છે દલીલ : જજને લેવી પડે છે અનુવાદકની મદદ

વારાણસીના આચાર્ય શ્યામ ઉપાધ્યાય1978થી ચલાવે છે અનોખી ઝુંબેશ : કચેરીમાં તમામ કામકાજ સંસ્કૃતમાં કરે છે

 

નવી દિલ્હી : દેવવાણી સંસ્કૃતને ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંવિધાનની આઠમી અનૂસૂચિમાં નોંધાયેલી 22 ભાષાઓમાં તેની ઓળખાણ સૌથી ઓછી બોલાતી ભાષાઓના રૂપમાં થાય છે. સંસ્કૃત ભાષાને બોલચાલની ભાષામાં સામેલ કરવા માટે મહાદેવ નગરી કાશીમાં એક વકીલ છેલ્લા 42 વર્ષથી અનોખી મુહિમ ચલાવી રહ્યા છે.

વારાણસીના આચાર્ય શ્યામ ઉપાધ્યાય કદાચ દેશના એક માત્ર એવા વકીલ હશે, જે કોર્ટમાં તમામ કામકાજ સંસ્કૃત ભાષામાં કરે છે. સિલસિલો લગભગ 1978થી ચાલુ છે. પત્ર લખવાથી લઈને કોર્ટના જજની સામે પણ દલીલો સંસ્કૃતમાં કરે છે.

આચાર્ય શ્યામ ઉપાધ્યાય જણાવે છે કે, નાનપણથી હું મારા પિતા પાસે સાંભળતો હતો કે, કચેરીમાં તમામ કામકાજ હિન્દી, અંગ્રેજી અથવા ઉર્દૂ ભાષામાં થાય છે. સંસ્કૃતનો ઉપયોગ થતો નથી. ત્યારથી મેં મારા મનમાં નક્કી કરી લીધુ કે, હું વકીલ બનીશ અને કચેરીમાં તમામ કામ સંસ્કૃતમાં કરીશ. 1978થી કચેરીમાં હું તમામ કેસ સંસ્કૃતમાં લડુ છુ, અને તેમાં સફલતા પણ મેળવી.

આચાર્ય શ્યામ ઉપાધ્યાય જણાવે છે કે, શરૂઆતના સમયમાં તો હું તમામ કાગળ સંસ્કૃતમાં લખીને લઈ જતો અને જજની સામે રાખતો ત્યારે જજ પણ ડઘાઈ જતાં હતાં. આજે પણ જ્યારે તેઓ વારાણસીની કોર્ટમાં આવે ત્યારે સંસ્કૃતમાં લખેલા કાગળ લઈને આવે છે.

આચાર્ય શ્યામ ઉપાધ્યાય જણાવે છે કે, કોઈ પણ કેસમાં જ્યારે દલીલો થાય ત્યારે પણ તેઓ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે. ત્યારે આવા સમયે જજને પણ અનુવાદકની મદદ લેવી પડે છે. અનુવાદક દ્વારા મારા આપેલી દલીલો કોર્ટ સાંભળે છે.

(12:17 am IST)