Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

૭૦૦ ગ્રામના ઉંદરની ચોરી બાબતે પોલીસ ફરિયાદ

રાજસ્‍થાનના એક પોલીસ સ્‍ટેશનમાં ચોરીનો એક અનોખો મામલો પ્રકાશમાં આવ્‍યો

બાંસવાડા,તા.૪ : તમે ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી હશે જોકે રાજસ્‍થાનના એક પોલીસ સ્‍ટેશનમાં ચોરીનો એક અનોખો મામલો પ્રકાશમાં આવ્‍યો છે. આવો કેસ કદાચ ક્‍યારેય તમે સાંભળ્‍યો નહિ હોય. રાજસ્‍થાનમાં વધુ આદિવાસી વસ્‍તી ધરાવતા બાંસવાડા જિલ્લામાં ઉંદરની ચોરીનો કેસ પ્રકાશમાં આવ્‍યો છે. અહીંના સજ્જનગઢ વિસ્‍તારના પાડલા બડખિયા ગામમાં એક પાળેલા ઉંદરની ચોરી થઈ થઈ હતી. આ મામલામાં ઉંદરના માલિકો રવિવારે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ અંગે કહ્યું છે કે તેનું કામ કેસ નોંધીને તેની તપાસ કરવાનું છે. પોલીસનો દાવો છે કે તે આ મામલાનો પણ ઝડપથી ખુલાસો કરશે.
સજ્જનગઢના પોલીસ સ્‍ટેશન ઈન્‍ચાર્જ ધનપત સિંહે જણાવ્‍યું કે આ સંબંધમાં બડખિયા નિવાસી ૬૨ વર્ષીય મંગૂએ કેસ નોંધાવ્‍યો છે. તેણે પોતાના ઘરે એક કાંટાવાળા ઉંદરને પાડ્‍યો હતો. તેનું વજન માત્ર ૭૦૦ ગ્રામ હતું. મંગૂએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં તેના ભાઈના પુત્ર પર જ ચોરીનો આરોપ લગાવ્‍યો છે. ઉલ્લેખનીય છે ચોરીની ઘટના ૨૮ સપ્‍ટેમ્‍બરના રાતના ૨ વાગ્‍યાની છે. રાતે તેના ભાઈના છોકરાઓ સરેશ, સમેત, મોહિત અને અરવિંદ આવીને ઘરમાંથી ઉંદરને ચોરી ગયા હતા.
પોલીસ અધિકારી સિંહે જણાવ્‍યું કે આ મામલામાં આઈપીસીની કલમ ૪૫૭ અને ૩૮૦ અંતર્ગત ચોરીનો કેસ નોંધવામાં આવ્‍યો છે. ત્રણે આરોપી યુવકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્‍યા છે. તેમણે જણાવ્‍યું કે તેમના પોલીસ સ્‍ટેશનમાં આ પ્રકારની ચોરીનો આ પ્રથમ કેસ છે. બકૌલ પોલીસ સ્‍ટેશનના અધિકારીએ આ અંગે કહ્યું કે ચોરીના કેસમાં અમારું કામ તેનો ખુલાસો કરવાનો છે. ઝડપથી આ મામલામાં ખુલાસો કરવામાં આવશે અને પીડિત પરિવારને ન્‍યાય અપાવવામાં આવશે.
જયારે પીડિત મંગૂને આ અંગે પૂછવામાં આવ્‍યું તો તેણે કહ્યું કે આ ઉંદર પાળેલો હતો. આખું ઘર તેને પ્રેમથી રાખતું હતું. જો મારા ભત્રીજાને ઉંદર જોઈતો હતો તેણે ઉંદરને માંગીને લઈ જવાનો છે. તેણે આ રીતે રાતે ચોરી કરવી જોઈતી નહોતી. તે પણ રાતે ૨ વાગ્‍યે. મંગૂએ ચોરી અંગે વધુમાં કહ્યું કે ચોરી તો ચોરી જ છે પછી તે ધનની હોય કે કોઈ જીવની. સજ્જનગઢ પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે.

 

(11:11 am IST)