Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કપડા ઉતારીને પૂજા કરીશ તો પિતાનુ દેવુ માફ થઇ જશે

આરોપીઓએ કથિતરૂપે આ ઘટનાનો વીડિયો બનાવ્‍યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો

નવી દિલ્‍હી, તા.૪: કર્ણાટકમાં એક સગીરને નિર્વષા થઇને પૂજા કરવા પર મજબૂર કરવાનો મામલો સામે આવ્‍યો છે. આ ઘટના કર્ણાટકના કોપ્‍પલની છે. જ્‍યાં સગીરને ફોસલાવીને કથિતરૂપે પોતાના પિતાનું દેવુ ચુકવવા માટે કપડા ઉતારવાં અને નગ્ન થઇને પૂજા કરવા માટે મજબૂર કરવામાં આવ્‍યો.

આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્‍યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ રીતે કેટલાંક લોકોએ પૂજાની પવિત્રતાના ધજાગરા ઉડાવ્‍યા છે.

રિપોર્ટ અનુસાર, સગીરની ઉંમર ૧૬ વર્ષ છે અને આ મામલે પોલીસે કેસ દાખલ કર્યો છે. સાથે જ ત્રણ લોકોની ઘરપકડ પણ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ સગીરને મજબૂર કર્યો હતો કે તે નિર્વષા થઇને પૂજા કરશે તો તેના પિતાએ લીધેલું બધુ જ ઉધાર માફ થઇ જશે.

અધિકારીઓએ આરોપીઓની ઓળખ શરણપ્‍પા તલવારા, વિરુપનગૌડા અને શરણપ્‍પા ઓજનાહલ્લી રૂપે કરી છે, જે તમામ કોપ્‍પલના નિવાસી છે અને પીડિતના પરિચિત છે. જો કે આ ઘટના જૂન મહિનાની છે, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્‍યું છે સગીરના માતા-પિતાને વીડિયો બનાવવા અંગે જાણ થઇ, તે બાદ રવિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી.

અધિકારીઓની માનીએ તો ત્રણેય આરોપીઓએ સગીરના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો અને તેને હુબલીમાં જળ જીવન મિશનમાં કામ માટે સાથે મોકલવા કહ્યું હતું. સગીરના પિતાએ ફરિયાદમાં કહ્યું કે, તેણે મારા દિકરાને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પોલીસે જણાવ્‍યા અનુસાર, આરોપીઓએ સગીરને નગ્ન થવા માટે મજબૂર કર્યો અને આશ્વાસન આપ્‍યું કે જો તે નિર્વષા થઇને પૂજા કરશે તો તેના પિતાનું દેવુ માફ થઇ જશે. આ ઉપરાંત, તેમણે સગીરને તેમ પણ કહ્યું કે, આમ કરવાથી તેનો પરિવાર ધનવાન બની જશે. તે બાદ સગીરે તેમ જ કર્યુ. જો કે આરોપીઓએ તેનો વીડિયો બનાવી લીધો અને તે વિશે કોઇને જાણ ન કરવાની ધમકી પણ આપી.

(3:49 pm IST)