Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મિશન ૨૦૨૪ની તૈયારીમાં ચંદ્રશેખર રાવ

દશેરાએ કરશે રાષ્‍ટ્રીય પક્ષના નામની જાહેરાત

હૈદ્રાબાદઃ તેલંગાણાના મુખ્‍ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની નજર હવે ૨૦૨૪ની લોકસભા ચુંટણી પર છે. તેલંગાણા રાષ્‍ટ્ર સમિતિ (ટીઆરએસ)ના પ્રમુખ ચંદ્રશેખર ૫ ઓકટોબરે દશેરાના દિવસે પોતાના રાષ્‍ટ્રીય પક્ષના નામની જાહેરાત કરી શકે છે.

સમાચાર એજન્‍સી એએનઆઇના સુત્રો અનુસાર, એવુ માનવામાં આવી રહ્યું છે કે કેસીઆર દશેરાના તહેવારે પોતાની રાષ્‍ટ્રીય પાર્ટીના નામની જાહેરાત કરશે. જો કે એ પહેલા ૫ ઓકટોબરના દિવસે જ તેલંગાણા ભવનમાં ટીઆરએસની એક મીટીંગ થવાની છે.

એવુ કહેવાઇ રહ્યું છે કે આ મીટીંગ પછી કેસીઆર રાષ્‍ટ્રીય રાજકારણમાં પોતાની એન્‍ટ્રી અંગે માહિતી આપી શકે છે એવા અનુમાનો થઇ રહ્યા છે કે ટીઆરએસ નેતાઓનું પ્રતિનિધી મંડળ દિલ્‍હી જશે. સુત્રો અનુસાર, પક્ષના નામની જાહેરાત પછી કે સીઆર ૯ ઓકટોબરે દિલ્‍હીમાં જનસભા કરશે.

કેસીઆરના આ સંભવિત પગલા સામે કોંગ્રેસે નિશાન તાકયુ છે. તેલંગાણા કોંગ્રેસ અભિયાન સમિતિના પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ મધુ ગૌડે કહ્યું, કેસીઆરનો રાષ્‍ટ્રીય પક્ષની રચનાનો નિર્ણય તર્કહીન છે. તેમણે તેલંગાણાના લોકોને મુર્ખ બનાવ્‍યા છે અને હવે દેશની જનતાને બનાવવા માંગે છે. પોતાની નિષ્‍ફળતાઓ છૂપાવવા અને પરિવારના સભ્‍યોને દિલ્‍હી શરાબ કૌભાંડથી બચાવવાની તેમની આ એક ચાલ છે.

ભાજપાના રાજયસભા સાંસદ ડો.લક્ષ્મણે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં કોઇ પણ પક્ષને રાષ્‍ટ્રીય પક્ષ લોંચ કરવાનો અધિકાર છે. કેસીઆરે તેલંગાણાની પ્રજાને આપેલા વચનો હજુ સુધી પુરા નથી કર્યા એટલે રાજયની પ્રજામાં તેમની સરકાર બાબતે ભારે નારાજગી છે.

(3:54 pm IST)