Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ડીજી હેમંત લોહિયા હત્‍યાકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી યાસિરને ગણતરીના કલાકોમાં દબોચ્‍યો

હત્‍યાને અંજામ આપીને નોકર ફરાર થઇ ગયો હતો હત્‍યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર જપ્ત

શ્રીનગર, તા.૪: જમ્‍મુ-કાશ્‍મીરના ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની હત્‍યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્‍ય આરોપી યાસિર અહેમદની ધરપકડ કરી લીધી છે. આ સંદર્ભે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી યાસિર જમ્‍મુના કાના ચક્કમાં ખેતરમાં છુપાયેલો હતો. જ્‍યાંથી પોલીસે તેને ઝડપી પાડ્‍યો હતો.

જણાવી દઇએ કે જમ્‍મુ- કાશ્‍મીર પોલીસે ડીજી જેલ હેમંત લોહિયાની હત્‍યાના આરોપી નોકરની ધરપકડ કરી લીધી છે. ડીજી જેલ હેમંત કે લોહિયાનો મળતદેહ જમ્‍મુના ઉદયવાલામાં તેમના મિત્રના ઘરમાંથી મળી આવ્‍યો હતો. તેમની ગળુ વેંતરીને હત્‍યા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના શરીર પર ઇજા અને દાઝ્‍યાના નિશાન પણ મળી આવ્‍યા હતા.

પોલીસે જણાવ્‍યા અનુસાર, હત્‍યાને અંજામ આપીને નોકર ફરાર થઇ ગયો હતો. તેણે હેમંત લોહિયાના શબને સળગાવી નાંખવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ADGP મુકેશ સિંહે જણાવ્‍યું કે રાતથી જ આરોપીની તલાશમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતુ. તેને કનાચક ક્ષેત્રમાંથી ઝડપી પાડવામાં આવ્‍યો હતો. તે ખેતરમાં છુપાયેલો હતો. પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે.

ADGP મુકેશ સિંહે જણાવ્‍યું કે પોલીસે હત્‍યામાં ઉપયોગમાં લીધેલા હથિયાર જપ્ત કરી લીધા છે. તેમણે જણાવ્‍યું કે કેટલાંક એવા દસ્‍તાવેજ મળ્‍યા છે, જેનાથી તેની માનસિક સ્‍થિતિ વિશે જાણવા મળ્‍યું છે. પોલીસે આસપાસની કેટલીક સીસીટીવી ફુટેજ પણ ચેક કરી છે. જેમાં આરોપી ઘટનાને અંજામ આપીને ભાગતો જોવા મળી રહ્યો છે. તે પાછલા ૬ મહિનાથી ડીજી જેલ હેમંત લોહિયાના ઘરે કામ કરી રહ્યો હતો. પોલીસે આરોપીનો ફોટો પણ જાહેર કર્યો છે.

(3:55 pm IST)