Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બાપુ ઈઝ બેક? શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં કરશે એન્ટ્રી ! !

હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં: આતુરતાનો જલ્દી અંત આવશેઃ અર્જુન મોઢવાડીયા

નવી દિલ્હી, તા.૪: ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની રાજકારણમાં એન્ટ્રી કરવા મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નજીકના સમયમાં શંકરસિંહ બાપુના રાજકારણમાં પ્રવેશ કરવા અંગેની અટકળોનો અંત આવશે તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે ખુદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ શંકરસિંહ વાઘેલાને લઇને મોટા સંકેત આપ્યા છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ બાપુના રાજકારણમાં જોડાવવા અંગે સંકેત આપતા કહ્યું કે, તમારી આતુરતાનો જલ્દી અંત આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. પ્રદેશના નેતાઓની પણ એવી લાગણી છે કે બાપુ કોંગ્રેસમાં જોડાય.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એકિટવ થયા છે. અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન એકવાર ફરી શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ થઇ છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.' એટલે કે જે-તે સમયે અગાઉ પણ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા.

(4:34 pm IST)