Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોલ્ડ લોનમાં ૧૨૦ ટકાનો વધારો

સોનાના ઉંચા ભાવો, લોકોની જાગૃતતા અને રોકડની જરૃરિયાતના કારણે ગોલ્ડ લોનની માંગ વધી

નવી દિલ્હી, તા.૪: રોકડ નાણાની તાત્કાલીક જરૃરિયાતને પુરી કરવા માટે લોકો સોનુ વેચવા ઉપરાંત તેનો ઉપયોગ લોન લેવા માટે પણ કરી રહ્યા છે. ગોલ્ડ લોન માર્કેટમાં વધુને વધુ ખેલાડીઓ આવવાની સાથે જ સોનાના વધી રહેલા ભાવોના કારણે ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસીકની સરખામણીમાં ૨૦૨૨-૨૩ના પ્રથમ ત્રિમાસીકમાં ગોલ્ડ લોનની સંખ્યા બમણાથી પણ વધી ગઇ છે. ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સીલ (એફઆઇડીસી) અનુસાર, ઉપરોકત સમયગાળામાં ગોલ્ડ લોનની મંજૂરી ૬૦૮ કરોડથી વધીને ૧૩૩૩ કરોડ થઇ છે, જે ૧૨૦ ટકાનો વધારો દર્શાવે છે.

બેંકરો અને નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)નો અંદાજ દર્શાવે છે કે સોનાની વધુ કિંમતો, વધારે જાગૃતતા અને રોકડ નાણાની વધારે જરૃરિયાત આ બધા કારણોને લીધે ગોલ્ડ લોન લેવાનુ વધી ગયુ છે.

મણપ્પુરમ ફાઇનાન્સ લીમીટેડના એમ ડી અને સીઇઓ વી પી નંદકુમારે કહ્યું, મહામારી શરૃ થયા પછીથી હવે આર્થિક ગતિવિધીઓમાં સુધારો થઇ રહ્યો છે અને ગોલ્ડ લોનની મંજૂરી ધીમે ધીમે વધી રહી છે. ગોલ્ડ લોનની માંગમાં વધારો નાની નાની લોનમાં વધારે, અમારા લોનના ચોપડે આ લોકો જ વધારે હોય છે.

એફઆઇડીસી અનુસાર, ગોલ્ડ લોનની મંજુરી ૨૦૧૯-૨૦ના ૨૪૨૬.૫ કરોડની સામે ૨૦૨૧-૨૨માં ૪૯૬૯.૨૮ કરોડ રૃપિયા હતી. જે લગભગ બમણી (૧૦૨ ટકા) હતી. ગોલ્ડ લોન આપનારાઓનું કહેવુ છે કે ઝડપી મંજૂરી, સ્પર્ધાત્મક દરો આના મુખ્ય કારણો છે.

નંદકુમારે વધુમાં કહ્યું, લોકો ખેતી, ઘર ખર્ચ, માઇક્રો અને સ્મોલ યુનિટોમાં વર્કીગ કેપીટલની જરૃરિયાત વગેરે કારણોસર ગોલ્ડ લોન લેતા હોય છે. આ ઉપરાંત મેડીકલ ઇમરજન્સી જેવી તાત્કાલિક જરૃરીયાત માટે પણ ગોલ્ડ લોન લેવી પડે છે.

(4:36 pm IST)