Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સરકાર અને ખેડૂતો વચ્ચે સાડા સાત કલાક મેરેથોન બેઠક: હવે શનિવારે ફરીવાર મંત્રણા

ખેડૂતોની ચિંતા યોગ્ય છે. સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ:APMCને સશક્ત બનાવવા સરકાર વિચાર કરશે. નરેન્દ્રસિંહ તોમર

નવી દિલ્હી :સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચોથા તબક્કાની બેઠક પૂર્ણ થઇ છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 12 વાગ્યે શરૂ થયેલી બેઠક સાડા સાત કલાક સુધી ચાલી હતી. હવે 5 ડિસેમ્બરે આગળની બેઠક મળશે. બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ  તોમરે કહ્યુ કે, ખેડૂત યૂનિયનના કેટલાક મુદ્દા પર સરકારની સહમતિ બની છે. ખેડૂતોના કેટલાક સવાલ હતા તે અમે સાંભળ્યા છે. સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મનથી વિચાર કરી રહી છે.

ખેડૂતો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે, સરકાર અને ખેડૂતોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. ખેડૂતોની ચિંતા યોગ્ય છે. સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે. સરકાર ખુલ્લા મનથી ખેડૂત યૂનિયન સાથે ચર્ચા કરી રહી છે. ખેડૂતોની 2-3 બિંદુઓ પર ચિંતા છે. APMCને સશક્ત બનાવવા માટે સરકાર વિચાર કરશે. નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે, અમે ઇચ્છીએ છીએ કે એમએસપી મજબૂત બને. એમએસપીમાં કોઇ બદલાવ નહી થાય. SDM કોર્ટની વ્યવસ્થા એટલા માટે હતી કે ખેડૂતોને સહાયતા મળે.

ખેડૂતોના સવાલ હતા કે નવો એક્ટ આવ્યો છે તેનાથી એપીએમસી ખતમ થઇ જશે, ભારત સરકાર આ મામલે વિચાર કરશે કે એપીએમસી ચાલુ રહે અને એપીએમસીનો ઉપયોગ વધે. જ્યા સુધી નવા એક્ટનો સવાલ છે. પ્રાઇવેટ મંડીઓની જોગવાઇ છે. પ્રાઇવેટ મંડી અને એપીએમસીની અંદર બનેલી મંડીઓમાં સમાનતા હશે. અમે તેની પર વિચાર કરીશું. જ્યારે મંડી બહાર ટ્રેડ થશે તો તે પાન કાર્ડથી જ થશે. ટ્રેડરનું રજિસ્ટ્રેશન હોવુ જોઇએ, તે અમે સુનિશ્ચિત કરીશું. કોઇ વિવાદ થાય તો એસડીએમ કોર્ટમાં જશે

કૃષિ મંત્રીએ વધુમાં કહ્યુ કે, આંદોલન મામલે કોઇ વાત તેમણે કરી નથી.ખેડૂત નેતાઓને અનુરોધ કરવા માંગુ છું કે ઠંડીની સિઝન છે. સરકાર સતત વાતચીત કરી રહી છે. વાર્તામાં જે મુદ્દા આવશે તે સમાધાનમાં પહોચશે. આંદોલન સમાપ્ત કરે, દિલ્હીના લોકોને તકલીફ થઇ રહી છે તેમણે રાહત મળે.

 

(12:00 am IST)