Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

GST રીટર્ન : હવે વેપારમાં વર્ગવિગ્રહનો પલિતો

નાના વેપારી સાથે તો જ વેપાર જો તે દર મહિને જીએસટી રીટર્ન ભરે તેવો મોટા વેપારીઓનો ફતવોઃ જૂનો પ્રશ્ન -નવી ચિંતા : પાંચ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનારને દર ત્રણ મહિને રિટર્ન ભરવાની છૂટ અપાઇ

નવી દિલ્હી,તા. ૪: પાંચ કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવનાર વેપારીને ત્રણ મહિને રીટર્ન ભરવાની છુટ આપવાનો નિર્ણય તો કરવામાં આવ્યો છે. પરંતુ તેના લીધે નાના વેપારીઓને ફાયદો થવાના બદલે નુકસાન થવાની શકયતા સૌથી વધુ છે. કારણ કે જે વેપારી દર મહિને રીટર્ન ભરશે તેની સાથે જ હવે વેપાર કરવાનો નિયમ મોટા વેપારી બનાવશે. તેના માટેનું કારણ એવું છે કે પાંચ કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવનાર વેપારી નાના વેપારી સાથે વેપાર કરે અને રીટર્ન દર મહિને નહીં ભરે તો આઇટીસી પૂરેપૂરી મળવાને બદલે ૧૦ ટકા જ મળે. તેના કારણે દર મહિને રીટર્ન ભરનાર વેપારી સાથે જ હવે મોટા વેપારીઓ વેપાર કરે તેવી શકયતા રહેલી છે.

પાંચ કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવનાર વેપારીને દર મહિને રીટર્ન ભરવાની પળોજણમાંથી છુટકારો મળે તે માટેનો નિયમ ૧ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવનાર છે. આ માટે વેપારીઓ દર મહિને રીટર્ન ભરવાના છે કે પછી દર ત્રણ મહિને રીટર્ન ભરવાના છે તેની પસંદગી આગામી સપ્તાહમાં કરી લેવાની છે. તે આધારે વેપારીએ રીટર્ન ભરવા પડશે. આ નિયમને કારણે મોટા વેપારી એટલે કે જેનુ ટર્ન ઓવર પાંચ કરોડથી વધુ છે તેવા વેપારી દર મહિને રીટર્ન ભરનાર વેપારી સાથે જ વેપાર કરશે. અથવા તો વેપાર કરતાં પહેલાં એવી શરત મુકશે કે દર મહિને રીટર્ન ભરવામાં આવશે તો જ તારી સાથે વેપાર કરવામાં આવશે. જેથી નાના વેપારીએ ત્રણ મહિનાના બદલે દર મહિને જ વેપાર કરવાની ફરજ પડવાની છે. આ માટેનું બીજું કારણ એવું પણ છે કે વેપારી ત્રણ મહિને રીટર્ન ભરે તો સામેવાળાને આઇટીસી પણ ત્રણ મહિને જ લેવી પડે અથવા તો ૧૦ ટકા જ આઇટીસી મળી શકતી હોય છે. આ જ કારણોસર આ નિયમનો વિરોધ પણ થઇ રહ્યો છે. જેથી તેમાં સુધારો કરવામાં આવે તેવી માંગ સુરત મર્કન્ટાઇલ અંસોસિયેશનના નેજા હેઠળ નરેન્દ્ર સાબુ તથા સીએ આકાશ અગવાલ સહિતનાઓએ કરી છે. (૨૨.૭)

ITCની સુવિધા ગોઠવવામાં હજુ પણ જીએસટી વિભાગમાં લોલમલોલ

જીએસટીની તમામ પ્રકિયા ઓનલાઇન હોવા છતાં આઇટીસીના મુદે યોગ્ય સિસ્યમ હજુ પણ ગોઠવવામાં આવી નથી. કારણ કે વેપારી જેની પણ પાસેથી માલ ખરીદી કરે છે તે સિસ્ટમમાં દર્શાવવામાં આવે છે. તે જ પ્રમાણે જે વેપારી પાસેથી માલનુ વેચાણ થાય છે તે વેપારી પણ સિસ્ટમમાં ઇનવોઇસ સાથેની વિગત દર્શાવે છે. પરંતુ જયારે વેપારી દ્વારા આઇટીસી લેવાની વાત આવે ત્યારે સામેવાળા વેપારીએ જીએસટી ભરપાઇ કર્યો હોવા છતાં સિસ્ટમમાં દશાવે નહીંતો વેપારીને ૧૦ ટકા લેખે જ આઇટીસી લેવી પડતી હોય છે. તેના કરતા વધારે આઇટીસી લીધી તો જીએસટી વિભાગ દ્વારા નોટીસ ફટકારીને વધારે લીધેલી આઇટીસીની વસુલાત વ્યાજ અને દડ સાથે કરતી હોય છે. જેથી યોગ્ય સિસ્ટમના અભાવે આખરે વેપારીનો જ મરો થતો હોય છે.

(9:45 am IST)