Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દુનિયા સાવધ રહે !, નકલી રસી વેચવા ગુનેગારો ટાંપીને બેઠા છે : ઈન્ટરપોલ

આગામી સમયમાં રસી સંબંધિત ગુનાખોરી વધી શકે છે

 નવી દિલ્હી, તા. ૪ : કોરોના મહામારીનો સામનો કરતી સમગ્ર દુનિયા આતુરતાપૂર્વક રસીના આગમનની રાહ જોઈ રહી છે ત્યારે વૈશ્વિક પોલીસ એવી ઈન્ટરનેટે દુનિયાને કોરોના રસી મુદ્દે સાવધ રહેવાની ચેતવણી આપી છે.

 સંગઠિત ક્રિમિનલ નેટવર્ક દુનિયામાં કોરોનાની નકલી રસી વેચવાનો પ્રયાસ કરી શકે છે તેમ ઈન્ટરપોલે દુનિયાની કાયદાકીય સંસ્થાઓને જણાવ્યું છે. બીજીબાજુ એઈમ્સના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાની રસીનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને જાન્યુઆરી સુધીમાં દેશમાં રસી આવવાની શકયતા છે. દેશમાં રસીના વિતરણની યોજના પર યુદ્ઘ સ્તરે કામ ચાલી રહ્યું છે.

 ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬,૮૫૮ કેસ નોંધાયા છે અને વધુ ૫૪૦ના મોત નીપજયાં છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૯૫,૬૯,૩૩૪ થયા છે અને મૃત્યુઆંક ૧,૩૯,૧૩૬ થયો છે. દેશમાં કોરોનાના વધુ ૪૨,૪૦૩ દર્દીની સાથે અત્યાર સુધીમાં કુલ ૯૦,૧૩,૧૦૪ દર્દી સાજા થયા છે તેમ પીટીઆઈની રાજયવાર ટેલીમાં જણાવાયું છે.

 ઈન્ટરપોલે તેના ૧૯૪ સભ્ય દેશોને ઓરેન્જ નોટિસ પાઠવીને ચેતવણી આપી છે કે કોરોનાની નકલી અને ગેરકાયદે જાહેરાત તથા ચોરીના સંદર્ભમાં સંગઠિત ક્રિમિનલ નેટવર્ક તૈયારી કરી શકે છે. આગામી સમયમાં દુનિયાની કાયદાકીય સંસ્થાઓએ કોરોનાની નકલી રસીની જાહેરાત, વેચાણ અને વિતરણ અંગે સાવધ રહેવું જોઈએ. આગામી સમયમાં રસી સંબિંધત ગુનાખોરી વધી શકે છે.

 ઈન્ટરપોલે દુનિયાના પોલીસ સંગઠનોને રસીની પુરવઠા ચેઈનની સલામતી, નકલી ઉત્પાદનોનું વેચાણ કરતી વેબસાઈટ્સને ઓળખી કાઢવા માટે જણાવ્યું છે. સંગઠિત ક્રિમિનલ નેટવર્કસ બનાવટી વેબસાઈટ્સ અને ખોટી સારવારના દાવા મારફત લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે તેમ ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જુર્જેન સ્ટોકે જણાવ્યું હતું.

દરમિયાન દિલ્હીની એઈમ્સના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના રસીનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. આગામી મહિનાની શરૂઆત સુધીમાં ભારતમાં રસી ઉપઈધ થવાની શકયતા છે. તેના માટે ભારતીય રેગ્યુલેટરી ઓથોરિટીએ ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપવી જોઈએ.

 સલામતી અને અસરકારકતા સાથે કોરોનાની રસીમાં કોઈ સમાધાન સાધવામાં આવ્યું નથી. ટ્રાયલમાં ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ લોકોને રસી અપાઈ છે અને તેની કોઈ વિપરિત અસર જોવા મળી નથી. ડેટા પરથી ખ્યાલ આવે છે કે ટૂંકા સમયમાં રસી સલામત છે. તેમણે ઉમેર્યું કે રસીને રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા અને તેને સલામત રાખવા પર યુદ્ઘ સ્તરે કામ ચાલી રહ્યું છે.

(10:33 am IST)