Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

હૈદરાબાદઃ ઓવૈસી-ટીઆરએસના ગઢમાં ભાજપે ગાબડા પાડયા

હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો દેખાવઃ ૧૫૦માંથી ૪૩ બેઠક પર આગળઃ શરૂઆતમા ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળી હતી : ટીઆરએસ ૬૨ બેઠકો પર તો ઓવૈસીનો પક્ષ ૨૬ બેઠક પર આગળઃ ભાજપે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી હતી

હૈદરાબાદ, તા. ૪ :. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં કાંટે કે ટક્કર જોવા મળી રહી છે. ભાજપે ટીઆરએસ અને ઓવૈસીના ગઢમાં ગાબડા પાડયા છે. પ્રારંભે પછડાટ ખાધા બાદ ટીઆરએસએ સરસાઈ મેળવી લીધી છે. પ્રારંભે ભાજપને ટ્રેન્ડમાં બહુમતી મળી ગઈ હતી પરંતુ ધીમે ધીમે ટીઆરએસ આગળ થઈ ગઈ અને ભાજપ બીજા ક્રમે ચાલ્યુ ગયુ છે અને ઓવૈસીનો પક્ષ ત્રીજા ક્રમે છે.

છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપે આ ચૂંટણીમાં જોરદાર દેખાવો કર્યા છે. કુલ ૧૫૦ વોર્ડ માટે ૪૬.૫૫ ટકા મતદાન થયુ હતું. ટીઆરએસ ૬૨, ભાજપ ૪૩, ઓવૈસીનો પક્ષ ૨૬ તથા કોંગ્રેસ ૩ બેઠક પર આગળ છે.

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ દેશના સૌથી મોટા નગર નિગમ પૈકીનું એક છે. આ નગર નિગમ ૪ જિલ્લાઓનું છે. સમગ્ર વિસ્તારમાં ૨૪ વિધાનસભા બેઠક છે. ગત ચૂંટણીમાં ટીઆરએસને બહુમતી મળી હતી.

આ વખતે ભાજપે સારો દેખાવ કરવા તમામ તાકાત અજમાવી હતી. અમિત શાહ, જે.પી. નડ્ડા અને યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથે પ્રચાર કર્યો હતો.

હૈદરાબાદમાં ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમનો દબદબો છે પરંતુ જે રીતે ભાજપે આ ચૂંટણી લડી તેની દેશભરમાં ચર્ચા હતી.

(3:19 pm IST)