Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોના વેકસીન સૌ પહેલા હેલ્થકેર અને ફ્રન્ટ લાઈન વર્કર્સને અપાશે તે પછી ૫૦ વર્ષથી ઉપરનાઓને અપાશે

સરકારે વેકસીન આપવાનો કાર્યક્રમ તૈયાર કર્યો

નવી દિલ્હી, તા. ૪ :. દેશમાં રસીકરણ માટેનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વર્કર્સ જેમ કે પોલીસ, આર્મ્ડ ફોર્સિસ અને મ્યુનિસિપલ વર્કર્સ બાદ ત્રીજી કેટેગરીમાં જે લોકો ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના છે તેઓને વેકસીન આપવામાં આવશે. તે પછી જે લોકો ૫૦ વર્ષથી નીચેની ઉંમરના લોકો છે તેમને વેકસીન આપવામાં આવશે.

તાજેતરમાં વડાપ્રધાન મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ વેકસીનનો કામચલાઉ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ઘડેલા કાર્યક્રમોની વિગતો રાજ્ય સરકારોને આપવામાં આવી હતી.

પ્રારંભે કોરોના વોરીયર્સને રસી આપ્યા બાદ ૫૦ વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. જો કે સૌ પહેલા સિનીયર સીટીઝન અને વડીલોને આપવામાં આવશે. ૫૦ વર્ષની ઉપરના ઘણા વ્યકિતઓને હાઈપર ટેન્શન, બીપી, ડાયાબીટીસ, હૃદયરોગની બિમારી હોય છે તેથી સરકારે બીજા તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના લોકોને પસંદ કર્યા હતા.  ચોથા તબક્કામાં જે લોકો ૫૦ વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓ કોઈને કોઈ બિમારીથી પીડાઈ રહ્યા છે તેઓને વેકસીન આપવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૫૩ ટકા મોત ૬૦ વર્ષ અને તેથી ઉપરની વ્યકિતઓના થયા છે. જ્યારે ૪૫ થી ૬૦ વર્ષ વચ્ચેના ૩૫ ટકા લોકોના મોત થયા છે. જ્યારે ૨૬થી ૪૪ વર્ષ વય વચ્ચે ૧૦ ટકા લોકોના મોત થયા છે.

(11:17 am IST)