Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જેલમાં ફેંકવામાં આવતી મોબાઇલ સહીતની અજુગતી વસ્તુઓ સામે હવે 'તીસરી આંખ'

સીસી કેમેરાનું જોડાણ સીધુ અભય કમાન્ડ સેન્ટર અને કલેકટર કચેરી સુધી પહોંચશે : જેલના સળીયા પાછળ રહીને પણ મોબાઇલ પર અપાતી ધમકીના સામ્રાજય પર આવશે અંકુશ

નવી દિલ્હી તા. ૪ : જેલના સળીયા  પાછળ રહેલા લોકો દ્વારા પણ આરામથી મોબાઇલ મારફતે બહારના લોકોને ધમકીઓ આપવાની લગાતાર વઘતી ઘટનાઓ ધ્યાને લઇ સુરક્ષા તંત્ર કડક થયુ છે.

જેલની દિવાલો ઠેકાડી જેલ પરીસરમાં ફેંકવામાં આવતા મોબાઇલ કે અન્ય વસ્તુઓ ઝડપવાના ઉપરા ઉપરી નોંધાતા બનાવોથી સફાળા જાગી ઉઠેલ સુરક્ષા વિભાગે હવે તિસરી આંખ એટલે કે સીસી કેમેરાનો આશરો લીધો છે. સ્ટાફ તેમજ જેલમાં થતી અવર જવર પર નજર રાખવા લગાવાતા આ સીસી કેમેરાનું જોડાણ સીધુ અભય કમાન્ડ સેન્ટરને હશે. કલેકટર કચેરીમાં બેઠા બેઠા અધિકારીઓ જેલ પરિસરની ગતિવિધિઓ પર નજર રાખી શકે તેવી જડબેસલાક વ્યવસ્થા હવે અમલમાં આવી રહી છે.

થોડા સમય પહેલા જ જેલના ચોગામાં એક પેકેટ ફેંકાયુ હતુ. શકમંદ યુવકને પકડી લઇ આકરી પુછપરછ કરાતા તે રૂ.૫૦૦ લઇને જેલમાં આવા પેકેટ ફેંકી મોબાઇલ અંદર પહોંચાડતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પરંતુ આવા બનાવો હવે અટકે તે માટે સીસી કેમેરાની મદદથી  જેલ પરિસરની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક બનાવવા નિર્ણયો લેવાયા છે.

(2:33 pm IST)