Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભાજપને જોરદાર ફટકો પડ્યો

છ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી : ભાજપને છમાંથી માત્ર એક બેઠક પર જ વિજય મળ્યો, પાંચ બેઠક પર મહાવિકાસ અઘાડી ગઠબંધનનો વિજય

મુંબઈ ,તા.૪ : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૬ સીટો માટે ચૂંટણીમાં ભાજપને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. ૬ સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપ માત્ર ૧ સીટ પર જીત મેળવવામાં સફળ રહ્યું છે. બાકી ૫ સીટો પર શિવસેના, એનસીપી, કોંગ્રેસના મહાવિકાસ આઘાડી ગઠબંધને જીત નોંધાવી છે. એક વર્ષની અંદર ભાજપ માટે રાજ્યમાં આ બીજો મોટો ઝાટકો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભાજપના હાથે મહારાષ્ટ્રની સત્તા પણ ગઇ હતી.

ભાજપે ૪ સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા અને એક અપક્ષને સમર્થન આપ્યું હતું. હાર સ્વીકારતા ભાજપના નેતા પ્રતિપક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનપરિષદ ચૂંટણીના પરિણામ અમારી આશા પ્રમાણે નથી. અમે વધુ સીટોની આશા કરી રહ્યા હતા જ્યારે માત્ર ૧ સીટ પર જીત મળી છે. અમારાથી ત્રણ પાર્ટીઓ (મહાવિકાસ અઘાડી)ની સમ્મિલિત તાકાતને આંકવામાં ચૂક થઇ.

ભાજપની સૌથી ખરાબ હાર નાગપુર સ્નાતક નિર્વાચન ક્ષેત્રમાં થઇ છે. નાગપુરને ભાજપનો ગઢ મનાય છે અને આ સીટ પરથી અગાઉ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ફડણવીસના પિતા ગંગાધર રાવ ફડણવીસ જીતી ચૂકયા છે. મંગળવારના રોજ યોજાયેલ મહાવિકાસ આઘાડી અને ભાજપની વચ્ચે પ્રતિષ્ઠાની લડાઇ તરીકે જોઇ રહ્યા હતા.

૬માંથી ૫ સીટો પર મહાવિકાસ આઘાડાની જીત પર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે વિધાન પરિષદ ચૂંટણીમાં આઘાડાની જીત ગઠબંધન પાર્ટીની વચ્ચે એકતાનો પુરાવો છે.

પૂણે નિર્વાચન ક્ષેત્રમાંથી આઘાડીના ઉમેદવાર અરૂણ લાડ એ એનડીએ ઉમેદવાર સંગ્રામ દેશમુખને ૪૮૦૦૦ વોટથી હરાવ્યા છે. રાજ્ય સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક એ કહ્યું કે ચૂંટણી પરિણામ છેલ્લાં એક વર્ષમાં મહાવિકાસ આઘાડીના વિકાસ કાર્યો પર મ્હોર મારી દીધઈ છે. ભાજપને સચ્ચાઇ સ્વીકારવી જોઇએ. વિધાનપરિષદ ચૂંટણી બાદ રાજ્યમાં સત્તા પરિવર્તનનો તેમનો દાવો ખોખલો સાબિત થયો છે.

(7:31 pm IST)