Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ખેડૂતો મુદ્દે સરકાર સાથેની બેઠકમાં સામાજીક મહિલા અગ્રણી કવિતા તાલુકદારની દલીલોથી મંત્રીઓ મુંઝાયા

નવી દિલ્હી: કૃષિ કાયદાને લઈને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ગુરુવારે બેઠક થઈ. ચોથા તબક્કાની આ બેઠકમાં અંદાજે 40 ખેડૂત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. બપોરે 12 વાગ્યે શરૂ થયેલી આ બેઠક સાડા સાત કલાક ચાલી હતી. જેમાં ખેડૂત નેતાઓ તરફથી એકમાત્ર મહિલા કવિતા તાલુકદારે હાજરી આપી હતી.

કવિતા એક સોશિયલ એક્ટિવિસ્ટ છે અને ખેડૂત આંદોલનની સેન્ટ્રલ કો-ઑર્ડિનેશન કમિટીની મેમ્બર પણ છે. આ ચર્ચામાં ખેડૂત નેતાઓનું પ્રતિનિધિત્વ કરતાં કવિતાએ ધારદાર દલીલો રજૂ કરી હતી.

સરકાર સાથેની બેઠકમાં સામેલ થયેલી એકમાત્ર મહિલા ઘણી જ સશક્ત જોવા મળી. સુત્રો અનુસાર, કવિતાએ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ધારદાર દલીલો રજૂ કરી. આજ મહિલા સરકાર તરફથી બેઠકમાં સામેલ અધિકારીઓ પર ભારે પડી ગઈ હતી.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો છેલ્લા 8 દિવસોથી દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતો કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે. જ્યારે સરકાર ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારનું કહેવું છે કે, નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે.

ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ભાર પૂર્વક કહ્યું કે, સંસદના એક વિશેષ સત્રમાં MSP પર એક નવો કાયદો બનાવવામાં આવે. તેમણે એ માંગ મૂકી છે કે, તેમને MSPની ગેરન્ટી મળવી જોઈએ. ખેડૂત નેતાઓએ ચિંતા વ્યક્ત કરવા કહ્યું કે, માની લઈએ કે MSP ચાલુ રહેશે, પરંતુ ખરીદી બંધ થઈ જાય તો, ત્યારે MSPનો કોઈ અર્થ જ નહીં રહે.

ખેડૂત યુનિયનોના પ્રતિનિધિઓનું કહેવું છે કે, સરકારે કહ્યું છે કે, ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા છે. જો કે તેમણે ક્યારેય તેના પર ધ્યાન જ નથી આપ્યું. ખેડૂતોને લાગે છે કે, મોટી ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટરોને લાભ પહોંચાડવા માટે કૃષિ કાયદા ઘડવામાં આવ્યા છે.

(5:52 pm IST)