Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

દિલ્લી મનપાની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન: સાંજના 5 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન: 7 ડિસેમ્બરે પરિણામ

કુલ 1,45,05,358 મતદારો નોંધાયા હતા: 250 વોર્ડમાં 1349 ઉમેદવારોનું ભાવી થયુ કેદ: MCDમાં ભાજપ 15 વર્ષથી સત્તામાં

નવી દિલ્હી: દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થયું હતુ સાંજે 5:30 વાગ્યા સુધી દિલ્હીના તમામ 250 વોર્ડમાં લગભગ 50 ટકા મતદાન થયાની સંભાવના છે. સાંજે સાડા પાંચ વાગ્યા પહેલા આવેલા મતદારો તરફથી પણ ઘણા મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું. મતદાનનો આંકડો હજુ વધી શકે છે, પરંતુ મતદાનની ટકાવારી ગત વખત કરતાં ઓછી રહેવાની શક્યતા છે. ગત વખતે 2017માં લગભગ 54 ટકા મતદાન થયું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5.30 વાગ્યા સુધી ચાલ્યું હતું. 

દિલ્હીમાં કુલ 1,45,05,358 મતદારો છે. જેમાં 78,93,418 પુરુષ તથા 66,10879 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 106 મતદારો છે. જ્યારે 95,458 મતદારો પહેલીવાર નોંધાયા છે. 

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો 7 ડિસેમ્બરે જાહેર થશે. આ વખતે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. MCD ચૂંટણીમાં 1,349 ઉમેદવારો મેદાનમાં છે. MCDની સ્થાપના 1958માં થઈ હતી. 2012 માં, તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન, તેને ત્રણ ભાગો, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહેંચવામાં આવ્યું હતું, જોકે આ વર્ષે ત્રણેય ફરી એક થઈ ગયા છે. MCDમાં ભાજપ 15 વર્ષથી સત્તામાં છે.

 

(8:40 pm IST)