Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

દિલ્હીમાં ભાજપ પાછલા દરવાજે શાસન કરવા ઇચ્છુકઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા

દિલ્હીના એલજીને વધુ અધિકાર આપતા બિલને મંજૂરી : સરકારના અધિકાર છીનવી એલજીને આપવાનું કામ થયું, આ નિર્ણય લોકતંત્ર, બંધારણ વિરુદ્ધ કરાયો હોવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. : કેબિનેટે દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ અધિકાર આપનારા બિલને મંજૂરી આપી છે. જે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જંગ છેડાયો છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આરોપ મૂક્યો કે, ભાજપ પાછલા દરવાજે દિલ્હીમાં શાસન કરવા માગે છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં ચૂંટાયેલી સરકારના અધિકાર છીનવી એલજીને આપવાનું કામ કરવામાં આવ્યું છે. નિર્ણય લોકતંત્ર અને બંધારણ વિરુદ્ધ કરવામાં આવ્યો છે. ત્રણ મુદ્દાને છોડીને દિલ્હીની ચૂંટાયેલી સરકાર તમામ મુદ્દે નિર્ણય લઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ત્રણ મુદ્દા ઉપરાંત દિલ્હીની ચૂંટાયેલી સરકારને નિર્ણય લેવાનો અધિકાર છે. એલજીનો કોઇ રોલ નહીં હોય, માત્ર એલજીને માહિતી મોકલવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારે તમામ વાતોને પડતી મૂકી. ભાજપ પાછલા દરવાજે દિલ્હીમાં શાસન કરવા માગે છે. દિલ્હીમાં ભાજપ ત્રણ વખત ચૂંટણી હારી છે.

આગળ સિસોદિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે દિલ્હીની ચૂંટાયેલી સરકારના અધિકાર છીનવી એલજીને આપવાનું કામ કર્યું. હવે દિલ્હી સરકાર પાસે કોઇ નિર્ણય લેવાનો પાવર નહીં હોય. તમામ નિર્ણય ગોપનીય રીતે લેવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કેબિનેટ દ્વારા ગવર્નમેન્ટ ઓફ એનસીટી એક્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. નિર્ણય હેઠળ વિધાનસભાથી અલગ કેટલાક નિર્ણયો પર ઉપરાજ્યપાલનો અધિકાર હશે અને રાજ્ય સરકારે તેની મંજૂરી લેવી પડશે.

(12:00 am IST)