Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ખેડૂત આંદોલનના સમર્થનમાં પશ્ચિમ યુપીમાં મહાપંચાયતોનો દોર : જાટ વિફર્યા તો ? ભાજપ સફાળું જાગ્યું : નારાજગી દૂર બેઠકો શરૂ

આરએલડીના સક્રિય થતાની સાથે જ જો જાટ સમાજ ભાજપના હાથમાંથી સરકી જવાનો ડર

નવી દિલ્હી : કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં શરૂ થયેલ ખેડૂત આંદોલન પહેલા હરિયાણા સુધી પહોંચ્યું પરંતુ હવે તેની અસર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થઇ રહી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં ગાઝીપુર બોર્ડર પર લોકો પોતાનું સમર્થન દર્શાવવા પહોંચી રહ્યા છે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મહાપંચાયતોનો દૌર શરૂ થયો છે. આ જોતા એમ લાગી રહ્યું છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ હવે ખેડૂત આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. જે ભાજપના રાજકીય રાજમાર્ગ પર મોટા પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે રાજ્યની યોગી સરકાર ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહી છે અને ભાજપ પોતાના સમીકરણો સાધવા માટે સક્રિય થઇ ગઈ છે.

આરએલડીના સક્રિય થતાની સાથે જ જો જાટ સમાજ ભાજપના હાથમાંથી સરકી જાય છે તો તેના માટે યુપી પંચાયત ચૂંટણીમાં જ નહિ પરંતુ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ તકલીફોનું કારણ બની શકે છે.આ જ રાજકીય નફા નુક્શાનની સરવાળા બાદબાકી જોતા યોગી સરકાર ખેડૂત આંદોલન પર પગલાં લેતા પાછી પાણી કરી રહી છે અને ભાજપ ધીમા પગલે તેમને સમજાવવા માટે સક્રિય થઇ ગઈ છે,

 મુઝફ્ફરનગરના બડૌતથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ ખેડૂત આંદોલનને વિપક્ષી પાર્ટીનું ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે મોદી અને યોગી સરકારે પશ્ચિમ યુપી અને ખેડૂતો માટે જેટલું કામ કર્યું છે તેટલું કોઈએ નથી કર્યું.

ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ગામડાઓમાં જઈને ચોપાલ કરીને ખેડૂતોની કૃષિ કાયદા પર નારાજગી દૂર કરવાના પ્રયાસો હાથ ધરશે. ભાજપના જાટ નેતા અને કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર ચૌધરી પશ્ચિમ યુપીમાં સહકારી મંડળીઓની તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે. જેમાં ભાજપ ખેડૂતોને ન માત્ર કૃષિ કાયદાના ફાયદા બતાવી રહી છે પરંતુ એ પણ સમજાવી રહી છે કે વિરોધી દળ ખેડૂતોના ખભે બંદૂક રાખીને પોતાના હિત સાધવાના પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં તેમણે મેરઠ અને સહરાનપુરમાં તમામ બેઠકો કરી હતી

(12:00 am IST)