Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

૧લી માર્ચથી રાજકોટ સહિતના મહાનગરોની વિવિધ કોર્ટ ધમધમશે

કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિ તથા વિવિધ બાર એસોસીએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે નિર્ણય લેતા વકીલો રાજીના રેડ : કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સને અનુસરી તમામ કોર્ટ રાબેતા મુજબ સવારે ૧૦.૪૫ કલાકથી સાંજે ૬.૧૦ કલાક સુધી કામકાજ હાથ ધરશેઃ કોવિડને કારણે ફસાયેલા અનેક કેસો હવે ધડાધડ ચાલશે

મહાનગરોમાં કોર્ટનું કામકાજ ફરીથી ધમધમતુ થશે તેવુ ગુજરાત હાઈકોર્ટે આજે જણાવ્યુ છે. હાઈકોર્ટે જણાવ્યુ છે કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવર્તતી કોવિડની સ્થિતિ અને વિવિધ બાર એસોસીએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી ચારેય મહાનગરોમાં સબોર્ડીનેટ કોર્ટ ફીઝીકલ ફોર્મમાં શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.  ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલે એક પરીપત્ર બહાર પાડી જણાવ્યુ છે કે

૧લી માર્ચના રોજથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના જિલ્લા મથકોએ આવેલી તમામ સબોર્ડીનેટ કોર્ટ રેગ્યુલર કામકાજના કલાકો એટલે કે સવારે ૧૦.૪૫ કલાકથી સાંજે ૬.૧૦ કલાક સુધી ફરી ચાલુ થશે. હાઈકોર્ટે જણાવ્યુ છે કે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલી સબોર્ડીનેટ કોર્ટ અગાઉ હાઈકોર્ટે તા. ૨૬-૬-૨૦૨૦ના રોજ બહાર પાડેલી ગાઈડલાઈન્સ અનુસાર કામકાજ કરશે.

હાઈકોર્ટે જણાવ્યુ છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જિલ્લા મથકોએ આવેલ સબોર્ડીનેટ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારે સોશ્યલ ડીસ્ટન્સીંગની બહાર પાડેલી ગાઈડલાઈન અનુસાર કામકાજ હાથ ધરશે. કોવિડના વિવિધ નિયમોનું પણ પાલન કરવાનુ રહેશે. જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી કોર્ટ કેમ્પસના એન્ટ્રી ગેઈટ કે બિલ્ડીંગના દરવાજે મહત્તમ એક જ વ્યકિતને પ્રવેશવાની પરવાનગી અપાશે. પ્રિન્સીપલ જ્યુડીશયલ ઓફિસરો કોર્ટ કેમ્પસની જરૂરીયાત મુજબ એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ રાખી શકશે.

(3:06 pm IST)