Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

લોન સસ્તી નહિ થાય : EMI નહિ ઘટે : મધ્યમ વર્ગને નિરાશા

RBIના ગવર્નરે નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી : રેપો રેટ ૪ ટકા તથા રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા યથાવત રહેશે : ૨૦૨૧-૨૨માં જીડીપી વૃધ્ધિદર ૧૦.૫ ટકા રહેવાનું અનુમાન : અર્થતંત્રની ગતિ હવે માત્ર ઉપર તરફ જ હોવાનો દાવો

નવી દિલ્હી તા. ૫ : આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિની આજે બેઠક સમાપ્ત થઇ છે. રિઝર્વ બેંકે મોનીટરી પોલિસી કમિટિની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસેએ કહ્યું કે, કમિટીએ વ્યાજ દરો બરકરાર રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર છે. રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીને લઈ પોતાનું વલણ નરમ રાખ્યું છે. ઇએમઆઇમાં ઘટાડો થશે નહિ. લોન પણ સસ્તી નહિ થાય. મધ્યમ વર્ગને ફરી એક વખત નિરાશા મળી છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત વધુ મજબૂત થયા છે. મહામારીની સંકટની સ્થિતિમાં પહોંચેલા મોટાભાગના સેક્ટર હવે સામાન્ય સ્તર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આવા સેક્ટરની સંખ્યા વધી છે. વેક્સીન રોલઆઉટ થયા બાદ આર્થિક વિકાસનું અનુમાન વધ્યું છે.

રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૨ના પહેલા છ મહિનામાં મોંઘવારી દરના અનુમાનને રિવાઇઝ કરી ૫-૫.૨ ટકા કરી દીધું છે. પહેલા આ અનુમાન ૪.૬-૫.૨ ટકા પર હતું. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, મોંઘવારી દર ૬ ટકાના ટોલરન્સ સ્તરથી નીચે આવી ગયું છે. આર્થિક વિકાસનું અનુમાન પહેલાથી સારું છે. એમપીસીનું માનવું છે કે હાલના સમયમાં ગ્રોથને સપોર્ટ કરવાની જરૂર છે.

હાલમાં રિઝર્વ બેંકનો રેપો રેટ ૪ ટકા છે, જે ઐતિહાસિક રીતે ઓછો છે. આ પહેલા છેલ્લી વાર આ દર ૨૨ મે, ૨૦૨૦ના રોજ ઘટાડવામાં આવ્યો હતો.  ફેબ્રુઆરી ૨૦૨૦થી અત્યાર સુધી આરબીઆઈએ રેપો રેટમાં કુલ ૧.૧૫ ટકાનો ઘટાડો કર્યો છે. ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ અને ડાયરેક્ટર પબ્લિક ફાઇનાન્સ સુનીલ કુમાર સિન્હાએ કહ્યું કે આર્થિક વિકાસ વધુ જરૂરી છે. તેથી રેપો રેટ દર વધારવાની આશા નથી.

(3:06 pm IST)