Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પાકવીમાનો ભ્રષ્ટાચાર અટકાવવા હવે ડ્રોનથી સર્વે

ઘઉં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતા ૧૦૦ જિલ્લામાં અમલી બનાવાશે પાયલોટ પ્રોજેકટ

નવી દિલ્હી તા. ૫ : પ્રધાનમંત્રી વિમા યોજનામાં દાવાની પતાવટ માટે હવે ડ્રોનની મદદ લેવાશે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યુ હતુ કે ચોખા અને ઘઉંનું વધુ ઉત્પાદન ધરાવતા ૧૦૦ જિલ્લાઓ ઉપર ડ્રોનથી સર્વે કરવા કૃષિ વિભાગે કરેલા પ્રસ્તાવને ઉડયન મહાનિર્દેશાલયે મંજુરીની મહોર મારી દીધી છે.

કૃષિમંત્રીએ જણાવેલ કે રીમોટ સેન્સર ટેકનીક આધારીત દેશનો આ પહેલો પાયલોટ પ્રોજેકટ હશે જેમાં ખેતરોમાં લહેરાતા પાકનું આકલન ડ્રોનથી થશે. આ અભ્યાસમાં સેટેલાઇટના હાઇ રીઝોલ્યુશનવાળા કમેરાથી તાગ મેળવવામાં આવશે. જૈવ ભૌતિક મોડલ સ્માર્ટ પધ્ધતિથી નમુનાઓ એકત્ર કરી ઉપજની જાણકારી મેળવાશે. પાકવિમા માટે કરાયેલ દાવાની ચુકવણી આ રીતે મળેલ વિગતોના આધારે કરાશે. ટુંકમાં દાવો કરનારના ખેતરમાં ખરેખર કોઇ ઘટના બની છે કે કેમ ? નુકશાની ખરેખર કેવી થઇ છે? તે સંબંધી તમામ વિગતોની ડ્રોનથી ચકાસણી કરીને પતાવટ કરવામાં આવશે. ચોકસાઇ જાળવવા સારી ટેકનીક અને ચોકકસ મોડલોનો ઉપયોગ કરાશે. જો સફળતા મળશે તો કૃષિ આધારીત અન્ય યોજનાઓમાં પણ ડ્રોનનો ઉપયોગ વધારી દેવાશે.

(3:15 pm IST)