Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

'લોહીની ખેતી' ફકત કોંગ્રેસ કરે બીજેપી નહી

રાજ્યસભા વિપક્ષ પર કૃષિ મંત્રી તોમરે જોરદાર નિશાન સાધ્યું : સરકારના કર્યા ભરપેટ વખાણ

નવી દિલ્હી તા. ૫ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાના મુદ્દા પર કૃષિ મંત્રી નરેન્દ્રસિંહે તોમરે રાજ્યસભામાં આજે સંબોધન કર્યું. કૃષિ મંત્રીએ કહ્યું કે, સરકાર સતત ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે. નરેન્દ્રસિંહ તોમરે આ દરમિયાન વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે, ખેતી પાણીથી થાય છે, પરંતુ ફકત કોંગ્રેસ જ છે જે ખુનથી ખેતી કરે છે.

 

ખેડૂત આંદોલનઙ્ગપર નરેન્દ્ર તોમરે કહ્યું કે વિપક્ષ સરકારને ખેડૂત આંદોલનના મુદ્દા પર ઘેરી રહી છે અને ત્રણ નવા કાયદાને કાળો કાયદો ગણાવી રહી છે. પરંતુ આ કાયદામાં કાળુ શું છે. કોઈ એમ પણ જણાવે.

કૃષિ મંત્રીએ કહ્યું કે નવા એકટ હેઠળ ખેડૂતો પોતાના સામાનને કયાંય પણ વેચી શકે છે. જો એપીએમસીની બહાર કોઈ ટ્રેડ થાય છે તો કોઈ પ્રકારનો ટેકસ નહીં આપવો પડે.

કૃષિ મંત્રીએ કહ્યુ કે કેન્દ્ર સરકારનો એકટ રાજય સરકારનો ટેકસ ખતમ કરે છે. પરંતુ રાજય સરકારનો કાયદો ટેકસ આપવાની વાત કરે છે. તોમરે કહ્યું કે જો ટેકસ લેવા ઈચ્છી રહ્યા છે આંદોલન તેમની વિરુદ્ઘ હોવું જોઈએ પણ આ તો ઉલ્ટી ગંગા વહી રહી છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કૃષિ ક્ષેત્રે સરકારે કામ કર્યું છે અને ખેડૂતોની આવકને બે ગણી કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. લગભગ ૧૦ કરોડથી વધારે ખેડૂતોને ૧.૧૫ લાખ કરોડ રુપિયા તેમના ખાતામાં મોકલ્યા છે.

પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાના બજેટમાં થયેલા કાપને લઈને તોમરે કહ્યું કે અત્યાર સુધી ૧૦ કરોડની આસપાસ ખેડૂત રજિસ્ટર્ડ થઈ શકયા છે. આ જ કારણ છે કે હાલની સ્થિતિના હિસાબે બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ રજીસ્ટ્રેશન વધશે તાત્કાલીક બજેટ પણ વધશે.

તોમરે કહ્યું કે અમારી સરકાર એફપીઓ લાવવા જઈ રહી છે. જેથી ખેડૂતોને પાકના ભાવના મામલામાં લાભ મળી શકે. આત્મનિર્ભર ભારત ફંડ હેઠળ કૃષિ ક્ષેત્ર માટે ૧ લાખ કરોડ રૂપિયા ફંડ આપવામાં આવ્યુ છે.

(3:16 pm IST)