Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સચીનને ભારત રત્ન આપવાનો નિર્ણય યોગ્ય ન હતો : શિવાનંદ તિવારી

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો બળાપો : આટલું મોટું સન્માન મેળવનાર લોકો જુદી-જુદી બ્રાન્ડ માટે પ્રચાર કરે છે, આનાથી ભારત રત્નનું જ અપમાન થાય છે

નવી દિલ્હી, તા. ૫ : ખેડૂત આંદોલન અંગે વિદેશી હસ્તીઓની ટ્વિટ પર રિએક્ટ કરવાને લઇને રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારી ભારત રત્ન સચિન તેંડુલકર પર ભડકી ઉઠ્યાં છે. સચિનની ટિકા કરતાં તેમણે કહ્યું કે, તેને ભારત રત્ન આપવાનો નિર્ણય યોગ્ય નહોતો. સચિનને જ્યારે ભારત રત્ન આપવામાં આવ્યો હતો ત્યારે પણ તેમણે તેનો વિરોધ કર્યો હતો. આરજેડીના નેતા દ્વારા કરાયેલી ટિકા બાદ વિવાદ ઊભો થયો છે.

શિવાનંદ તિવારીએ કહ્યું કે, સચિનને ભારત રત્ન આપવાનો નિર્ણય યોગ્ય નહોતો. આ નિર્ણય વખતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. આટલું મોટું સન્માન મેળવનાર લોકો જુદી-જુદી બ્રાન્ડ માટે પ્રચાર કરે છે. આનાથી ભારત રત્નનું જ અપમાન થઇ રહ્યું છે. શિવાનંદ તિવારીએ સચિન દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અંગે નારાજગી વ્યક્ત કરી.

જ્યારે જનતા દળ યુનાઇટેડના નેતા સંજય સિંહે કહ્યું કે, શિવાનંદ તિવારીનું નિવેદન અને તેમની અને તેમની પાર્ટીની માનસિકતા દર્શાવે છે. આ લોકો એવોર્ડ વાપસી ગેંગના છે. સંજય સિંહે કહ્યું કે, શિવાનંદ પોતે રાજ્યસભાનું પેન્શન કેમ લઇ રહ્યાં છે? તેમને પોતાનું પેન્શન પણ પાછું કરી દેવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, સચિને ગુરુવારે ટ્વિટ કર્યું હતું કે ભારતની એકતા અને અખંડતા સાથે કોઇ પણ પ્રકારનું સમાધાન કરી શકાય નહીં. બહારની તાકાતોએ અમારા મામલામાં દખલ ન કરવું જોઇએ. તેઓ માત્ર દર્શક હોઇ શકે છે. તે અમારા અંગત મામલામાં ભાગીદાર ન બની શકે. ભારતના લોકો પોતાના દેશ વિશે બરાબર રીતે જાણે છે અને સમજે છે. તે પોતાના દેશના હિતમાં નિર્ણય લેશે.

(7:38 pm IST)