Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

બીએસએફના બે કોન્સ્ટેબલ ગુમ : પોલીસનું સર્ચ ઓપરેશન

રાજૌરી સેક્ટરની એક શિબિરમાંથી કોન્સ્ટેબલો ગુમ : આ બંને કૉન્સ્ટેબલ જનરલ ડ્યૂટી શ્રેણી અંતર્ગત સુંદરબની ઉપજિલ્લા મુખ્યાલય બીએસએફ શિબિરમાં તૈનાત હતા

જમ્મુ, તા. ૫ : સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના ૨ કૉન્સ્ટેબલો અચાનક રાજૌરી સેક્ટરની એક શિબિરથી ગુમ થયા બાદ હડકંપ મચી ગયો છે. બીએસએફ અધિકારીઓએ પોલીસમાં બંને કૉન્સ્ટેબલો ગુમ થયા હોવાનો રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસે પણ બંનેની શોધ માટે પોતાનું સર્ચ ઑપરેશન તેજ કરી દીધું છે. અત્યાર સુધી કોઈ પણ કૉન્સ્ટેબલ વિશે કોઈ જાણકારી હાથ નથી લાગી શકી. પોલીસથી મળેલી જાણકારી પ્રમાણે બીએસએફના આ બંને કૉન્સ્ટેબલ જનરલ ડ્યૂટી શ્રેણી અંતર્ગત સુંદરબની ઉપજિલ્લા મુખ્યાલય બીએસએફ શિબિરમાં તેનાત હતા.

જ્યારે મોડી સાંજે આ બંને કૉન્સ્ટેબલ શિબિરમાં પરત ના પહોંચ્યા તો શિબિરમાં ખળભળાટ મચી ગયો. બીએસએફ અધિકારીઓના નિર્દેશ પર પહેલા તો સાથી જવાનોએ શોધ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે બંને વિશે કોઈ ભાળ ના મળી તો પોલીસે ગુમ થયાનો રિપોર્ટ નોંધ્યો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે રિપોર્ટ નોંધાવ્યા બાદ જ તેમની ટીમે બંને કૉન્સ્ટેબલોની શોધ શરૂ કરી દીધી છે. ઉપજિલ્લા મુખ્યમથકમાં તેમની સાથે ડ્યૂટી કરનારા સાથીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ સુધી બંને કૉન્સ્ટેબલો વિશે કોઈ જાણકારી મળી હતી. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર સેનાએ ગાળિયો કસેલો છે અને તેમનું એક પણ ષડયંત્ર સફળ થઈ રહ્યું નથી. બીજી તરફ અહીં પાકિસ્તાનની કાળી કરતૂતોનો રોજેરોજ પર્દાફાશ થઈ રહ્યો છે. કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની સરહદ પર અનેક સુરંગ મળી ચુકી છે જેનો ઉપયોગ પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને ઘૂસેડવા માટે કરે છે. બીએસએફે શનિવારના જમ્મુના હીરાનગર સેક્ટરના પાનસર વિસ્તારમાં પાકિસ્તાનના વધુ એક ટનલ ષડયંત્રને અસફળ કરી દીધું.

આ ટનલની લંબાઈ ૧૫૦ મીટર અને ઊંડાઈ ૩૦ ફૂટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગત ટનલની માફક આ ટનલ પણ પાકિસ્તાનના શકરગઢ વિસ્તારથી નીકાળવામાં આવી, જે જૈશના આતંકવાદીઓનું મોટું લૉન્ચિંગ પેડ છે. બીએસએફ તરફથી પુષ્ટિ કરતા કહેવામાં આવ્યું કે, ખુફિયા સૂચનાના આધાર પર બીએસએફની ટુકડીઓએ જમ્મુના પાનસર વિસ્તારમાં એક એન્ટી-ટનલિંગ ડ્રાઇવ દરમિયાન આજે એક ૧૫૦ મીટર લાંબી અને ૩૦ ફૂટ ઊંડી સુરંગ શોધી કાઢી છે. આ બીએસએફ દ્વારા સાંબા, હીરાનગર અને કઠુઆ વિસ્તારમાં ગત ૬ મહિનામાં શોધવામાં આવેલી ચોથી અને જમ્મુ ક્ષેત્રમાં ૧૦મી સુરંગ છે.

(8:53 pm IST)