Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સરહદે તણાવ વચ્ચે ચીને લદ્દાખમાં તૈનાત કરી સૌથી ઘાતક ટેંક: ભારતના T-90 ટેન્ક સજ્જ

પૂર્વીય લદ્દાખમાં ભારત સાથે ચાલતા તણાવ વચ્ચે ચીની સૈન્યએ કરાકોરમના પહાડોમાં મોટાપાયે પોતાના સૌથી ઘાતક ટેંક Type 99Aને તૈનાત કર્યા છે. આ ટેંક 5 હજાર મીટરની ઊંચાઈએ તૈનાત કરવામા આવ્યા છે. ચીને અમુક સમય અગાઉ જ નવા ટાઈપ 15 ટેંકના પ્રથમ જથ્થાને પણ સામેલ કર્યા છે, જે ટાઈપ 99-એ સાથે મળી યુદ્ધ મેદાનમાં ઉતરશે. ટાઈપ 99-એ ચીનનું સૌથી ઘાતક ટેંક છે અને ટાઈપ 15 ઘણી ઝડપે હુમલો કરવા સક્ષમ છે

ચીની નિષ્ણાંતોના મતે ટાઈપ-99એ પૂર્વીય લદ્દાખમાં ઓક્સિજનના ઓછા પ્રમાણ અને પહાડી વિસ્તારને કારણે વધુ અસરકારક નથી. પરંતુ જો ટાઈપ 15 ટેંક યુદ્ધની સ્થિતિમાં ક્યાંક ફસાય તો ટાઈપ 99-એને મેદાનમાં ઉતારી શકાય છે. આ ટેંક અમેરિકા અને રશિયાના ટેંકથી ઓછું શક્તિશાળી નથી. ચીનના થર્ડ જનરેશનના આ ટેંકમાં ઘાતક દારૂગોળો, મોટા આકારના વિસ્ફોટક થકી દુશ્મનો પર હુમલો કરતી તોપ અને ઉચ્ચ સ્તરીય ફાયર કંટ્રોલ સિસ્ટમ તથા એડવાન્સ ઈલેક્ટ્રોનિક ટેક્નિક ધરાવે છે. આ ટેંક રશિયાના ટી-72 અને જર્મનીના લેપર્ડ-2 ટેંકની કોપી કરીને બનાવવામાં આવ્યું છે. આ ટેંક 2001માં પ્રથમવાર ચીની સૈન્યમાં સામેલ કરાયું હતું.

ભારતીય સૈન્યએ પૂર્વીય લદ્દાખમાં ડ્રેગનનો સામનો કરવા ટી-90 ટેંક તૈનાત કર્યા છે. પરંતુ ટાઈપ-99 એ ભારતના ટી-90 ટેંક કરતા વધુ શક્તિશાળી છે. નિષ્ણાંતોના મતે જે ટેંક ઓછી વજનદાર હશે તે આ વિસ્તારમાં વધુ અસરકારક સાબિત થશે. આ મામલે ભારતના ટી-90 ટેંક ટક્કર આપી શકે છે. ચીન અને ભારત બંનેને ટેંકની 125 મિલીમીટરની તોપ પર ભરોસો છે, જેના વડે દુશ્મન દેશની ટેંકને નિશાન બનાવી શકાય છે. ચીનના ટેંકમાં ભારતના ટી-90 કરતા વધુ સારી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ છે. ચીની ટેંકમાં લેઝર વોર્નિંગ સિસ્ટમ છે. ટી-90 ટેંકમાં પણ લેઝરથી થતા હુમલાથી બચવાની સિસ્ટમ છે.

(8:56 pm IST)