Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ઇમરાનખાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : કહ્યું - સંયુક્ત રાષ્ટ્રના નિયમો હેઠળ સમાધાન કરવું જોઈએ

પાકિસ્તાન તેના તરફથી શાંતિ માટે પગલા લેવા તૈયાર છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા પછી પણ તેઓના મનને શાંતિ નથી મળી રહી. હવે ફરી એકવાર તેણે કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાને શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે ભારતે છેલ્લા સાત દાયકામાં કાશ્મીરના લોકોનો અવાજ દબાવ્યો છે. પરંતુ પાકિસ્તાન કાશ્મીરની જનતાને  સાથ આપશે

    ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીર વિશે સતત અનેક ટ્વીટ્સ કરી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના નિયમો હેઠળ જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર સમાધાન માંગે છે. ફરી એકવાર ભારતને પ્રભાવિત કરતાં ઇમરાને કહ્યું કે કાશ્મીરની નવી પેઢી પોતાની લડાઈ લડી રહી છે. અને પાકિસ્તાન તેમની સાથે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન તેના તરફથી શાંતિ માટે પગલા લેવા તૈયાર છે.

ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો અનેક વખત ઉઠાવ્યો છે. તેમણે દેશમાં અને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના ભાષણો દરમિયાન કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમણે દરેક વખતે હાર નો સામનો કરવો પડ્યો કારણ કે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તે ચર્ચાનો વિષય નથી.

ઇમરાન ખાને આ ટિ્વીટ એવા સમયે કર્યા છે જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર બાજવાએ તેમના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા. બાજવાએ એક સંબોધનમાં કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આ ક્ષેત્રના તમામ વિવાદો શાંતિપૂર્ણ રીતે હલ કરવા જોઈએ, જેથી મિત્રતાનો હાથ આગળ વધારી શકાય.

(9:06 pm IST)