Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પહાડી રાજ્યોમાં હિમવર્ષા : જમીન પર બરફની ચાદર પથરાઈ :હિલ સ્ટેશનોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે

મનાલી, સિમલામાં હિમવર્ષા , સિમલામાં જેસીબીથી બરફ હટાવાયો : જમ્મુ-કાશ્મીરનાં પટનીટોપ પર એક ઇંચ બરફ જામ્યો : ગુલમર્ગ અને પહેલગામમાં પણ બરફવર્ષા

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ફરીથી કાતિલ ઠંડીનો માહોલ જોવા મળી શકે છે, ત્રણ પહાડી રાજ્યોમાં જમીન પર બરફની ચાદર ફેલાઇ ચુકી છે, મોટાભાગનાં હિલ સ્ટેશનમાં પારો શુન્યથી નીચે આવી ચુક્યું છે, જેના કારણે દિલ્હી-એનસીઆર સહિતનાં ઘણા મેદાની રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો.

કેટલાક દિવસ પહેલા લોકોને ઠંડીથી રાહત મળી હતી, પરંતું તાજેતરમાં થયેલી ભારે બરફ વર્ષાથી ફરી એક વખત મોસમમાં બદલાવ આવ્યો છે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી-એનસીઆરમાં ઘણા સ્થાનોએ વરસાદ થયો.

હવામાન વિભાગે શુક્રવારે એટલે કે 5 ફેબ્રુઆરીએ પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ સુધી સામાન્ય સ્થિતીમાં રહેવાની સંભાવના છે, ઉત્તર પ્રદેશનાં ત્રણ પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જોવા મળી.

હિમાચલ પ્રદેશનાં લોકપ્રિય હિલસ્ટેશન મનાલી અને શિમલામાં ઘણા દિવસોથી થઇ રહેલી બરફવર્ષાનાં કારણે બરફનાં થર જામી ગયા છે, શિમલામાં તો જેસીબી મશીનોની મદદથી બરફને દુર કરવામાં આવી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરનાં પટનીટોપ પર ભારે બરફવર્ષા થઈ, ત્યાર બાદ અહીં એક ઇંચ સુધી બરફ જામી ગયો છે, તે ઉપરાંત શ્રીનગર ખીણ અને ઉંચાઇવાળા વિસ્તારો જેવા કે ગુલમર્ગ અને પહેલગામમાં પણ બરફવર્ષા થઇ છે. ગુલમર્ગનું લઘુત્તમ તાપમાન માઇનસ 6.4 ડિગ્રી નોંધાયું, આ બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના વધી ગઇ છે.

(9:31 pm IST)