Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ચીની જાસૂસી બલુનને અમેરિકાએ ઉડાવી દીધુઃ ચીનનું બલૂન ભારે સેન્‍સર અને દેખરેખના સાધનોથી સજ્જ હતુઃ ચીની બલુન અમેરિકાની હદમાં પ્રવેશી ગયું હતું.

અમેરિકાના એફ-રર ફાઇટર જેટમાંથી છોડવામાં આવેલી મિસાઇલ દ્વારા આ બલૂન તોડી નાખવામાં આવ્‍યું હતુઃ વીડીયો વાઇરલ

નવી દિલ્‍હીઃ અમેરિકાએ એફ-રર ફાયટરથી ચીનનું જાસૂસી બલૂનને તોડી નાખ્‍યું હતું.

અમેરિકાએ ચીનના સ્પાય બલૂનને લઈને મોટી કાર્યવાહી કરી છે. ચીની જાસૂસી બલૂન જેના પર જિનપિંગને ગર્વ હતો તે એટલાન્ટિક મહાસાગરમાં ટુકડા થઈ ગયુ છે. અમેરિકાના આકાશમાં ચીનનો જાસૂસી બલૂન હવે ઈતિહાસ બની ગયો છે. યુએસ એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું. તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને નીચે પાડી દીધુ જેના પર ચીનને ગર્વ હતો.

બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી યુએસ રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેની એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને દેખરેખના સાધનો હતા. જ્યારે તોડી પાડવામાં આવે ત્યારે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ.

જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. હવે અમેરિકા આ ​​જાસૂસી બલૂનના ભાગોને સમુદ્રમાંથી એકત્ર કરી રહ્યું છે જેથી કરીને તે ચીનના ષડયંત્રના તળિયે જઈને પુરાવા સાથે ચીનને ભીંસમાં લઈ શકે. F-22 ફાઈટર જેટમાંથી છોડવામાં આવેલી મિસાઈલ દ્વારા આ બલૂનને તોડી પાડવામાં આવ્યું હતું. F-22 ફાઈટર જેટ તેની વિનાશક ક્ષમતા માટે વિશ્વભરમાં રેપ્ટર તરીકે ઓળખાય છે.

(1:25 pm IST)