Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

માયાનગરીના વરલી વિસ્તારમાં દેશની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ :1200 કરોડ રૂપિયામાં 23 ફ્લેટ ખરીદ્યા

ડી માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીના નજીકના મિત્રો, સંબંધીઓ અને મિત્રોએ જ આ ડીલને અંજામ આપ્યો

હવે મુંબઈમાં દેશની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ થઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ડી માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીના નજીકના મિત્રો, સંબંધીઓ અને મિત્રોએ જ આ ડીલને અંજામ આપ્યો છે. આ લોકોએ માયાનગરીના વરલી વિસ્તારમાં 1200 કરોડ રૂપિયામાં 23 ફ્લેટ ખરીદ્યા છે.

અત્યારે અહીં કામ ચાલી રહ્યું છે. આ લક્ઝુરિયસ ફ્લેટ વરલીના એની બેસન્ટ રોડ પર બની રહેલા થ્રી સિક્સ્ટી વેસ્ટના બી-ટાવરમાં ખરીદવામાં આવ્યા છે. જાણો આ ડીલ વિશે.

 

આ પ્રોજેક્ટના તમામ એપાર્ટમેન્ટ 5000 સ્ક્વેર ફૂટના બનેલા છે અને તેની કિંમત લગભગ 50-60 કરોડ રૂપિયા છે. આ તમામ 23 ફ્લેટ વેચીને સુધાકર શેટ્ટીને 1200 કરોડ રૂપિયા મળ્યા. આ પૈસાથી તે એક હજાર કરોડ રૂપિયાની લોન ચૂકવશે. તેણે પિરામલ ફાયનાન્સ પાસેથી લોન લીધી છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રોપર્ટી ડીલને ભારે ડિસ્કાઉન્ટમાં વેચવામાં આવી છે કારણ કે ખરીદદારોએ અહીં બહુવિધ ફ્લેટ ખરીદ્યા છે. શેટ્ટી પર લોન ચૂકવવાનું દબાણ હતું. જેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. તેણે હોંગકોંગ સ્થિત SC લોવી (SC LOWY) ગ્લોબલ બેન્કિંગ અને એસેટ મેનેજમેન્ટ કંપની પાસેથી 400 કરોડ રૂપિયાની લોન પણ લીધી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દમાણી પરિવારે પ્રોપર્ટીના ઘણા મોટા સોદા કર્યા છે. આ પહેલા પણ વર્ષ 2021માં દેશનો સૌથી મોટો જમીન સોદો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આ ડીલ હેઠળ રાધાકિશન દામાણી અને તેમના ભાઈ ગોપીકિશન દામાણીએ 1001 કરોડ રૂપિયામાં બંગલો ખરીદ્યો હતો. તેનો બિલ્ટ અપ એરિયા લગભગ 60 હજાર ચોરસ ફૂટ છે.

(8:47 pm IST)