Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

બોરિસ જોન્સન સાથે થયેલી બેઠકમાં પીએમ મોદીએ ઉઠાવ્યો નીરવ મોદી અને વિજય માલ્યાનો મુદ્દો

ભારત -બ્રિટન શિખર સંમેલનથી દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઇ

નવી દિલ્હી,તા.૫: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાઇ હતી. પીએમ મોદીએ કહ્યુ કે, બ્રિટનના પીએમ જોનસન સાથે સંમેલન સાર્થક રહ્યુ. તેમણે કહ્યું કે, આ દરમિયાન ભારત-યૂકેના સંબંધોને વધારીને વ્યાપક સામરિક ભાગીદારી કરવા માટે મહત્વકાંક્ષી રોડમેપ ૨૦૩૦ અપનાવવામાં આવ્યો છે.

પીએમ મોદીએ આગળ કહ્યુ- અમે ૨૦૩૦ સુધી દ્વિપક્ષીય વ્યાપારને ડબલથી વધુ કરવાના લક્ષ્યની સાથે એફટીએના રોડમેપના રૂપમાં એક વ્યાપાર ભાદીદારીને શરૂ કરવાનું સ્વાગત કર્યુ. અમે સ્વાસ્થ્ય, ટેકનોલોજી, ઉર્જા વગેરેમાં ઘણી નવી પહેલ પર સહમતિ વ્યકત કરી. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, આ દરમિયાન બ્રિટિશ પીએમની સાથે કોવિડ-૧૯ મહામારી પર સહયોગને લઈને ચર્ચા થઈ. સાથે પેરિસ જલવાયુ સમજુતિના મહત્વકાંક્ષી લક્ષ્યને લઈને પ્રતિબદ્ઘતા વ્યકત કરી છે.

બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ નીરવ મોદી, વિજય માલ્યા સહિત ભારતના આર્થિક ભાગેડૂને જલદી પરત આપવાનો મુદ્દો ઉઠાવ્યો. તો પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યુ કે, બ્રિટિશ ક્રિમિનલ જસ્ટિ સિસ્ટમને કારણે કેટલીક અડચણો આવી રહી છે. પરંતુ બ્રિટન સરકાર ઈચ્છે છે કે ભારત વિરુદ્ઘ અપરાધ કરનાર ભારતીય કાયદો વ્યવસ્થા સામે હાજર થાય.

તો પ્રધાનમંત્રી મોદી અને બ્રિટનના પીએમ જોનસન વચ્ચે ડિજિટલ બેઠક બાદ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત-બ્રિટન શિખર સંમેલનથી દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ. તેમણે કહ્યું કે, મોદી-જોનસન શિખર સંમેલનની મોટી સિદ્ઘિ ભારત-બ્રિટનના સંબંધોને વધુ મજબૂત કરવા માટે રોડમેપ ૨૦૩૦ની શરૂઆત કરવી છે.

(9:58 am IST)