Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

રાજકોટમાં આજે ૬૨ મોતઃ નવા ૧૭૨ કેસ

કુલ કેસનો આંક ૩૫,૬૯૩ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૧,૫૬૨ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૮.૮૫ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૭૨ પૈકી ૧૦ કોવિડ ડેથઃ હાલમાં ૩૭૩૮ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૫: છેલ્લા એક વર્ષથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે. શહેર - જિલ્લામાં   છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો મૃત્યુ આંક ઘટવાનું નામ લેતો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૬૨ નાં મૃત્યુ થયા  છે. જયારે  શહેરમાં બપોર સુધીમાં ૧૭૨ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૪નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૫નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૭૬ પૈકી ૧૦ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૧૯ બેડ ખાલી છે.

 દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૬૨ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૭૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૭૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૫,૬૯૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૧,૫૬૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૭,૨૪૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૯૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૮.૧૯ ટકા થયો  હતો. જયારે ૪૯૮ દર્દીઓ સાજા થયા હતા.  આજ દિન સુધીમાં ૧૦,૨૪,૬૨૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૫,૬૯૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૭ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૭૩૮  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:03 pm IST)