Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

PMOના ભરોસે બેસી ન રહેવાયઃ કોરોના જંગની કમાન ગડકરીને સોંપો

અત્યાર સુધી માત્ર વિપક્ષો જ મોદી સરકાર ઉપર પ્રહારો કરતા હતા પરંતુ હવે પોતાના જ લોકોના નિશાના ઉપર આવી સરકાર : ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગડકરીને સુકાન સોંપવા માંગણી કરીઃ કોરોનાની ભયાનક લહેર આવવાની બાકી હોવાની ભવિષ્યવાણી પણ કરી

નવી દિલ્હી, તા. ૫ :. ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જાય છે. કોરોના વાયરસને નિપટવાની વ્યવસ્થાને લઈને અત્યાર સુધી મોદી સરકારની કોંગ્રેસ ટીકા કરતી હતી પરંતુ હવે સરકાર ઉપર પોતાના જ લોકો પ્રહાર કરી રહ્યા છે. કોરોનાના વધતા કેસો અને ચારેતરફ ઓકિસજનથી લઈને બેડ સુધી મચેલા હાહાકાર વચ્ચે ભાજપના સિનીયર નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ માંગણી કરી છે કે આ મહામારીથી નિપટવાની કમાન નીતિન ગડકરીને સોંપી દેવી જોઈએ. તેમણે કોરોનાની વધુ એક લહેરને લઈને ચિંતા વ્યકત કરી છે.

ભારતમાં કોરોના વાયરસ વિરૂદ્ધ જંગ જીતશે જેવી રીતે ઈસ્લામી આક્રમણકારી અને બ્રિટીશ સામ્રાજ્ય વિરૂદ્ધ જીત્યો હતો.

ભારતમાં વધુ એક કોરોનાની લહેર આવી શકે છે. જેમા બાળકો વધુ ખતરામાં મુકાશે. એવામાં આકરા પગલા લેવા પડશે. કોરોના સામે જંગની જવાબદારી પીએમ મોદીએ નીતિન ગડકરીને સોંપી દેવી જોઈએ. પીએમઓ ઉપર નિર્ભર રહેવાથી કામ નહિ ચાલે.

આ પહેલા ઓકસીજનની અછતને લઈને સ્વામીએ મોદી સરકારને ભીંસમાં લીધી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકારે એ કહેવાનુ બંધ કરી દેવુ જોઈએ કે આપણી પાસે કેટલો ઓકસીજન છે. તેના બદલે એવુ કહેવુ જોઈએ કે અમે કેટલી સપ્લાય કરી અને કઈ કઈ હોસ્પીટલને મોકલી.

અત્રે નોંધનીય છે કે હાલ જે સ્થિતિ છે તેને નિપટવાને લઈને વિપક્ષ સરકાર ઉપર સતત પ્રહારો કરી રહ્યુ છે.

(11:08 am IST)