Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

દર્દી - સગાઓનો મરો : કોરોનાની દવાઓ ૨૦ થી ૮૦ ટકા જેટલી મોંઘી થઇ ગઇ

અચાનક ડિમાન્ડ વધી : ચીનથી કાચો માલ નથી આવતો

નવી દિલ્હી તા. ૫ : કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓના ભાવમાં થોડા મહિનામાં ૨૫ થી ૮૦ ટકાનો ઉછાળો આવ્યો છે. આના બે કારણોમાં માંગમાં થયેલ અચાનક વધારો અને ચીનથી આવી રહેલ ધીમો સપ્લાય છે. જોકે રીટેલ સ્તરે તેમાં કોઇ અછત થવાની શકયતા નથી કેમકે મોટી કંપનીઓ પોતાની પાસે અમુક મહિનાનો માલ રાખે જ છે.

પેરાસીટામોલ, એજીથ્રોમાઇસીન, ડોકસીસાયકલીન, આઇવર મેકટીનના કાચા માલ (એપીઆઇ)ની કિંમતો વધી ગઇ છે. આ દવાઓ કાં તો એન્ટીબાયોટીક, એનેલ્જેસીક અથવા તો અન્ય એવી દવાઓ છે જેનો ઉપયોગ કોરોનાની સારવારમાં આજકાલ થઇ રહ્યો છે.

ઉદાહરણ તરીકે તાવ અને કળતર માટેની દવા પેરાસીટામોલની એપીઆઇ ડીસેમ્બર ૨૦૨૦માં ૪૫૦-૪૮૦ રૂપિયે કિલોથી વધીને આ વર્ષે એપ્રિલમાં ૫૮૦-૬૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે. એટલે કે તેના ભાવમાં ૨૫ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. ભારતમાં મોટી દવા કંપનીઓના એક મુખ્ય સંગઠન ઇન્ડીયન ફાર્માસ્યુટીકલ એલાયન્સ (આઇપીએ)ના મહસચિવ સુદર્શન જૈને કહ્યું કે, ડીસેમ્બર ૨૦૧૯ની સરખામણીમાં આ વધારો લગભગ ૧૪૦ ટકા છે.

તો બીજી તરફ કોરોના દર્દીઓ અને તેના સગાઓને આઇવર મેકટીન બહુ ઓછી અપાતી હોય છે પણ તેના પણ કાચા માલના ભાવમાં ૧૮૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે થોડા મહિના પહેલા ૧૮૦૦૦ રૂપિયે કિલો મળતી હતી જેના અત્યારે ૫૨૦૦૦ રૂપિયા થઇ ગયા છે. જૈનનું કહેવું છે કે હાલમાં સંક્રમણ વધવાથી માંગમાં વધારો થયો છે. ચીનથી સપ્લાય તો આવે છે પણ તેની ગતી ધીમી છે. અમે આના માટે ચીની દૂતાવાસમાં રજૂઆત કરી છે.

(11:10 am IST)