Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ભારતે સલાહને અવગણતા બીજી લહેર ભયાનક બની

સાયન્સ જર્નલ નેચરમાં પ્રગટ થયેલા અહેવાલમાં દાવો : વૈજ્ઞાનિકોની સલાહને માનવામાં આવી હોત તો કોરોનાની ખતરનાક બીજી લહેરને નિયંત્રિત કરવી સરળ બની રહેત

નવી દિલ્હી, તા. ૫ : ભારત અને બ્રાઝિલની સરકારે વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી કોરોના વાયરસ અંગેની સલાહની અવગણના કરી હતી માટે જ બંને દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ ભયાનક બની ગઈ છે. જો વૈજ્ઞાનિકોની સલાહને માનવામાં આવી હોત તો કોરોનાની ખતરનાક બીજી લહેરને નિયંત્રિત કરવી સરળ બની રહેત.

પ્રસિદ્ધ સાયન્સ જર્નલ નેચરમાં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે ભારત અને બ્રાઝિલની સરકારે વૈજ્ઞાનિકોની સલાહની અવગણના કરીને કોરોના નિયંત્રણ માટેની સારી તક ગુમાવી દીધી. ગત સપ્તાહે પણ ભારતમાં એક જ દિવસમાં કોવિડ-૧૯ના કારણે ૪ લાખથી વધારે લોકો સંક્રમિત થયા હતા અને ૩,૫૦૦થી વધારે લોકોના મોત થયા હતા.

આ આંકડા એટલા ભયાનક હતા કે, વિશ્વના અનેક દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે ઓક્સિજન, વેન્ટિલેટર્સ અને આઈસીયુ બેડ સહિતની જરૂરી વસ્તુઓ ભારત મોકલી આપી હતી. ભારત અને બ્રાઝિલ વચ્ચે આશરે ૧૫,૦૦૦ કિમીનું અંતર છે પરંતુ બંને દેશ કોરોનાની એક સરખી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બંને દેશના નેતાઓએ વૈજ્ઞાનિકોની સલાહની અવગણના કરી હતી અથવા તો તેના અમલમાં મોડુ કરી દીધું હતું. આ કારણે બંને દેશમાં હજારો લોકોએ કસમયે પોતાનો જીવ ગુમાવી દીધો.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સતત કોવિડ-૧૯ને નાનો ફ્લુ કહેતા રહેતા હતા. તેમણે વૈજ્ઞાનિકોની સલાહની અવગણના કરીને સાવચેતીના પગલાને પણ નહોતા માન્યા. બ્રાઝિલ સરકારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરવામાં પૂરતુ ધ્યાન નહોતું આપ્યું.

જ્યારે ભારત સરકારે વૈજ્ઞાનિકોની સલાહ માનીને યોગ્ય સમયે એક્શન ન લીધી અને દેશમાં કોરોના સંક્રમણમાં ખૂબ જ ઝડપથી વધારો થયો. ચૂંટણી અને ધાર્મિક કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ જ રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વૈજ્ઞાનિકોની વાત નહોતી માની જેથી ૫.૭૦ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. વિશ્વમાં કોરોનાના કારણે સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં થયા છે.

(7:57 pm IST)