Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

હવે બેંકના હોલિડેના કારણે મોડો નહીં થાય પગાર કે EMI :રિઝર્વ બેંકે ઑટોમેટિક પેમેન્ટ સુવિધામાં કર્યો મોટો ફેરફાર

RBIએ નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)ની સુવિધામાં મોટો બદલાવ કર્યો: ફાયદો ઓગસ્ટથી મળવાનો શરૂ જશે.

નવી દિલ્હી: ખાનગી કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓનો પગાર મહિનાના પ્રથમ સપ્તાહમાં કે આખરી તારીખે આવે છે. જો કે ક્યારેક બેંકોમાં હોલિડે હોવાના કારણે તે દિવસે સેલરી ક્રેડિટ નથી થઈ શકતી. એવામાં જ્યારે પગાર મોડો થાય છે, ત્યારે કોઈની EMI પણ લેટ થઈ જાય છે. જો કોઈએ ઑટોમેટિક પેમેન્ટ ઑપ્શન અપનાવ્યો હોય, તો તેને વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે

જો કે હવે આવું નહીં થાય. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ આ પ્રકારની સમસ્યાનું જલ્દી સમાધાન કરવા જઈ રહી છે. એટલે કે RBIએ ઑટોમેટિક પેમેન્ટ સુવિધામાં મોટો ફેરફાર કર્યો છે. શુક્રવારે RBIએ નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)ની સુવિધામાં એક મોટો બદલાવ કર્યો છે. જેનો ફાયદો ઓગસ્ટથી મળવાનો શરૂ થઈ જશે

હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે, આખરે NACH શું છે અને તે કેવી રીતે કામ કરે છે? વાસ્તવમાં NACH એક સાથે મોટી સંખ્યામાં પેમેન્ટ કરવાની સિસ્ટમ છે. આ સિસ્ટમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) સંભાળે છે. જ્યારે એક સાથે મોટી સંખ્યામાં લોકોના પૈસા ટ્રાન્સફર કરવામાં આવે, તો તે સિસ્ટમને જ NACH કહેવામાં આવે છે.

NACH થકી જ સરકારી વિભાગો અને કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓના બેંક ખાતાઓમાં પગાર, પેન્શન કે પછી કોઈ પણ પ્રકારની સરકારી સબસિડી વગેરેની ચૂકવણી કરવામાં આવે છે.

આ ઉપરાંત NACHના માધ્યમથી જ EMI, ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, મ્યૂચ્યૂઅલ ફંડના હપ્તા, વીજળી, પાણી, ફોન તેમજ ગેસના બિલ ઓટોમેટિક રીતે ડેબિટ થતા હોય છે.

આ તમામ સુવિધા માત્ર બેંકના વર્કિંગ ડેમાં જ લોકોને મળે છે. એટલે કે બેંક હોલિડેના દિવસે આ તમામ સુવિધાઓ બંધ રહે છે

(12:00 am IST)