Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

હાજીઅલીમાં વેકિસન સેન્ટર ઉભુ કરવાની દરગાહના મેનેજમેન્ટ દ્વારા બીએમસીને ઓફર

માટુંગા મસ્જિદ, માહીમ કબ્રસ્તાન અને ઉર્દૂ હાઇસ્કુલમાં પણ સેન્ટરો સ્થાપવા સૂચના : મુંબઇના કેટલાક મંદિરો અને ચર્ચમાં રસીકરણ કેન્દ્રો ચાલે જ છે

મુંબઇ તા. ૫ : શહેરની પ્રસિધ્ધ હાજીઅલી દરગાહના મેનેજમેન્ટે મુંબઇ મહાપાલિકા અને રાજ્ય સરકારને ધર્મસ્થળનો ઉપયોગ વેકિસન સેન્ટર તરીકે કરવા દેવાની ઓફર કરી છે. ૧૦૦ વર્ષ જુની દરગાહની મેનેજમેન્ટ કમિટિએ મુંબઇના જિલ્લા કલેકટોરેટ અને બીએમસીને પત્ર લખીને ધર્મસ્થાનકમાં વેકિસન કેમ્પ સ્થાપવા અનુરોધ કર્યો છે.

દરગાહના ટ્રસ્ટીઓએ કહ્યું છે કે ઘણાં લોકોને હજુ કોરોનાની વેકિસન લેવાનો ડર લાગે છે. શહેરમાં સૌથી જુના ધર્મસ્થાનકો પૈકીના એક હાજી અલીમાં વેકિસન સેન્ટર ઉભુ કરવાથી વધુ લોકોને અહીં આવી વેકિસન લેવા પ્રોત્સાહન મળશે.

હાલ લોકડાઉનના પ્રતિબંધોને લીધે અમારી દરગાહ બંધ છે. દરગાહની અંદર અમારી પાસે ઘણી ખુલી જગ્યા છે અને સત્તાવાળાઓ અહીં સહેલાઇથી વેકિસનેશન સેન્ટર ઉભું કરી શકે છે. એમ દરગાહના એડમિનીસ્ટ્રેટીવ ઓફિસર અને ટ્રસ્ટી મોહમ્મદ અહમદ તાહિરે જણાવ્યું હતું. એમના જણાવ્યા મુજબ દરગાહમાં માર્બલ ફલોરીંગ સાથેના નમાજ પઢવા માટેના વિશાળ ઓરંડા છે, જેની સાથે રેસ્ટ રૂમ્સ એટેચ્ડ છે. એમની નિયમિત સાફ-સફાઇ થાય છે. આ બંદગી માટેના રૂમોનો સેન્ટર તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. બીએમસીનું કહેવું છે કે અમે કેટલાક મંદિરો અને ચર્ચમાં સેન્ટરો ઉભા કરવા પરવાનગી આપી છે.

(11:50 am IST)