Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ફેસબૂક લાઈવ કરીને આપઘાત કરતા યુવક અંગે અમેરિકાથી ફોન આવતા દિલ્હી પોલીસે બચાવ્યો

દિલ્હી પોલીસની નોડલ સાયબર વિભાગ દ્વારા CYPAD અને ઈન્ટરનેશનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે સમન્વય હેઠળ એલર્ટ અપાયું

નવી દિલ્હી : દિલ્હીમાં પોલીસે એક યુવકને આપઘાત કરતાં બચાવી લીધો છે. 39 વર્ષનો આ યુવક ફેસબૂક લાઈવ વીડિયો શેર કરીને આપઘાત કરવા પ્રયાસ કરતો હતો. જો કે સોશિયલ મીડિયા કંપનીએ અમેરિકાથી દિલ્હી પોલીસને સતર્ક કરી દીધી હતી. જે બાદ પોલીસે આ વ્યક્તિનો જીવ બચાવી લીધો હતો. આ જાણકારી પોલીસ અધિકારીઓએ આપી હતી. પશ્ચિમ દિલ્હીના દ્વારકાના રહેવાસી યુવકે પાડોશીઓ સાથેના વિવાદ બાદ પોતાના હાથ પર અનેક ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

યુવક એક મિઠાઈની દુકાનમાં કામ કરતો હતો. તેના બે બાળકો પણ છે. તેણે જણાવ્યું કે 2016માં પત્નીના મોત બાદ તેની આર્થિક સ્થિતિ નબળી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પાડોશીઓ સાથેના વિવાદ બાદ તેણે પોતાને ઈજાઓ પહોંચાડી હતી.અને આ સમયે તેણે ફેસબૂક લાઈવ કરી દીધું હતું.

આ વચ્ચે જ CYPAD (સાયબર પ્રિવેન્શન અવેરનેસ ડિટેક્શન)ના ડીસીપી અન્યેશ રાયને ફેસબૂકની અમેરિકાની ઓફિસથી ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે દિલ્હીમાં એક વ્યક્તિ પોતાને નુકસાન પહોંચાડી રહ્યો હોય તેવો લાઈવ વીડિયો પોસ્ટ કરી રહ્યો છે. દિલ્હી પોલીસની નોડલ સાયબર વિભાગ દ્વારા CYPAD અને ઈન્ટરનેશનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે સમન્વય હેઠળ આ એલર્ટ આપવામાં આવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે ફેસબૂક દ્વારા શેર કરાયેલ એકાઉન્ટની તપાસ પોલીસે કરી હતી. અને એકાઉન્ટ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બંધ હતો. બાદમાં પોલીસ મોબાઈલ નંબર સાથે જોડાયેલ એડ્રેસ મેળવીને યુવકના ઘરે પહોંચી હતી. જ્યારે પોલીસ ઘરે પહોંચી ત્યારે યુવક સીડીઓમાં ખુબ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. કેમ કે તેનું ખુબ લોહી વહી ગયું હતું. જે બાદ પોલીસે તાત્કાલિક યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો અને હાલ તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.

(11:22 pm IST)